નીડર, ઇમાનદાર અને સંપૂર્ણ સમર્પિત PM નરેન્દ્ર મોદી

હું નરેન્દ્ર મોદીજીના સંપર્કમાં 1977માં સંઘના મણિનગરસ્થિત કાર્યાલયથી આવ્યો હતો. એ પછી હું તેમને અમદાવાદમાં કેટલીક વાર મળ્યો, ત્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને તેમના વડા પ્રધાન બન્યા પહેલાં અને અમેરિકાના તેમના દરેક પ્રવાસ પછી તેમને હું મળ્યો હતો. હું તેમને જેટલી વાર મળ્યો તેમના માટે મારા ધ્યાનમાં એક ખાસ વાત એ આવી કે તેઓ હંમેશાં અખંડ ભારત અને યુનાઇટેડ ઇન્ડિયા વિશે મારી સાથે આત્મવિશ્વાસથી વાત કરતા. વળી, તેમની બીજી એક ખાસિયત એ હતી કે તેઓ દરેક બાબતનું બરાબર નિરીક્ષણ કરતા અને દરેક સમયે કંઈક નવું શીખવા તૈયાર રહેતા. તેઓ મારી સાથે હંમેશાં વિચારવિમર્શ માટે પણ તૈયાર રહેતા.

ભારત ખરેખર બહુ નસીબદાર દેશ છે કે એક નીડર, ઇમાનદાર અને દેશને સંપૂર્ણ સમર્પિત વડા પ્રધાન મળ્યા છે. હું તેમના જન્મદિવસે તેમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભકામનાઓ આપું છું.

વર્ષ 2014માં જ્યારે તેઓ સૌપ્રથમ વાર વડા પ્રધાન તરીકે અમેરિકા આવ્યા હતા, ત્યારે અમે તેમને માટે મેડિસન ગાર્ડનમાં જાહેર કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં આશરે 700 કોમ્યુનિટી નેતાઓ અને સફળ વેપારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું, ત્યારે તેમના નવરાત્રીના ઉપવાસ ચાલતા હતા, છતાં તેમણે આશરે ચાર કલાક સુધી અમારા બધા સાથે મુલાકાત કરી હતી. તેમણે મારાં પત્નીને મારી પુત્રીની ઉંમર વિશે પૂછ્યું હતું કે તેની ઉંમર કેટલી છે? અને તે અત્યારે શું કરી રહી છે? વગેરે. હું તેમને 2003માં ગાંધીનગરસ્થિત મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મારી પત્ની અને પુત્રી સાથે મળ્યો હતો. તે સમયે મારી પુત્રી ત્રણ વર્ષની હતી, પણ 11 વર્ષ પછી પણ તેમણે તેના વિશે જે આત્મીયતાથી પૂછ્યું હતું, એ મારા સ્મૃતિપટલ અંકિત થઈ ગયું હતું. તેમની એ બાબત કાર્યકર્તાની યાદ અપાવે છે.

(લેખકઃ ડો. વસુદેવ પટેલ, જેઓ ગુજરાત એસોસિયેશન ઓફ અમેરિકાના સંસ્થાપક પ્રમુખ છે).