PMની ડિગ્રી જાહેર કરવાની કોઈ જરૂર નથીઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઊભા કરવાવાળા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાતની હાઇકોર્ટે વડા પ્રધાનની ડિગ્રી મામલે કેજરીવાલ પર દંડ ફટકાર્યો છે. એ સાથે હાઇકોર્ટે મુખ્ય માહિતી પંચ (CIC)ના આદેશને પણ રદ કરી દીધો હતો, જેમાં વડા પ્રધાનની ઓફિસ (PMO)થી ડિગ્રીની માહિતી માગવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે આજે એક ચુકાદામાં કહ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલયે વડા પ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જાહેર કરવાની કોઈ જરૂર નથી. આટલું જ નહીં, હાઈકોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજીને તુચ્છ અને ભ્રામક ગણાવતાં રૂ. 25,000નો દંડ પણ ફટકાર્યો હતો. કેજરીવાલે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માગી હતી.

જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. હાઇકોર્ટે કેજરીવાલને હવે નિર્દેશ આપવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના સ્ટેટ લીગલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં આ દંડની રકમ જમા કરાવવામાં આવે. દેશના CICએ આદેશ જારી કરી PMOના જનસૂચના અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી તથા દિલ્હી યુનિવર્સિટીના PIOને પીએમ મોદીની ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની વિગતો જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો. હવે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બિરેન વૈષ્ણવની સિંગલ બેન્ચે CICના એ આદેશને રદ કરી દીધો છે.

જોકે PM નરેન્દ્ર મોદી અનુસાર તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીથી 1983માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટીનો પક્ષ રાખતાં કહ્યું હતું કે કેસમાં છુપાવવા જેવું કંઈ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવાનું દબાણ ન કરી શકાય.