‘તબીબી બેદરદારીને લગતી કાયદાની પ્રક્રિયા શું છે?’

મેડિકલ પ્રોફેશનલની બેદરકારી નજરમાં આવે તો કયાં પગલાં ભરી શકાય? કેઈએસની જયંતીલાલ પટેલ લૉ કૉલેજમાં થયો વાર્તાલાપ

મુંબઈઃ કન્ઝ્યુમર ફોરમમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં થયેલા વધારાને જોતાં ભારતમાં આચરાતી તબીબી બેદરકારી એ ઊંડી ચિંતાનો વિષય દેખાય છે. આનું એક કારણ પોતાના કાયદાકીય હકો માટેની લોકજાગૃતિ છે અને બીજું કારણ એ કે વધુ ને વધુ લોકો મેડિકલ સારવાર લઈ રહ્યા હોવાથી બેદરકારીના વધુ કેસ બનવાની શક્યતા પણ વધી જાય છે. તબીબી બેદરકારીને કારણે સારવારમાં દરદીનું મૃત્યુ થઈ જવાની સ્થિતિમાં થયેલા નુકસાનને કાયદાકીય કેવી રીતે મૂલવવું એ જાણવું અગત્યનું છે.

એડ્વોકેટ અને કંપની સેક્રેટરી સૌરભ અસ્થાના

પહેલાં તો એ જાણવું જરૂરી છે કે તબીબી બેદરકારી કોને કહેવાય.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત જયંતીલાલ પટેલ લૉ કૉલેજના વિદ્યાર્થીઓએ એડ્વોકેટ અને કંપની સેક્રેટરી સૌરભ અસ્થાના સાથે આ વિષય પર ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન આચાર્યા ડૉ.સંગીતા શ્રીવાસ્તવે કર્યું હતું.

પ્ર.૧. તબીબી બેદરકારી કોને કહેવાય?

સામાન્ય રીતે તબીબી પ્રોફેશનલ વિવેકીપણે જે સારવાર કરે એ રીતે બીજા કોઈ પ્રોફેશનલ સારવાર કરે નહીં અને એ નિષ્ફળતાને લીધે દરદીને કોઈ હાનિ થાય અથવા દરદીનું મૃત્યુ થાય ત્યારે એને તબીબી બેદરકારી કહેવાય.

પ્ર.૨. તબીબી બેદરકારી કહેવા માટે એમાં કયાં તત્ત્વો હોવાં જોઈએ?

તબીબી પ્રોફેશનલની ફરજ, ફરજનું પાલન કરવામાં નિષ્ફળતા, હાનિનું કારણ અને હાનિ એ બધાં તત્ત્વોનો વિચાર કરીને નક્કી કરવામાં આવે છે કે બેદરકારી રહી છે કે કેમ.

પ્ર.૩. શું તમે કૃપા કરીને વધુ સ્પષ્ટતા માટે,આ તત્ત્વોને વિગતવાર સમજાવી શકો?

જરૂર. સામાન્ય રીતે મેડિકલ પ્રોફેશનલની જવાબદારી એ જોવાની હોય છે કે દરદીના આરોગ્યને કોઈ હાનિ પહોંચે નહીં. એમની એ ફરજને ડ્યુટી ઑફ કેર (કાળજી રાખવાની ફરજ) કહેવાય છે. જ્યારે હેલ્થ પ્રોફેશનલ આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે એમની આ ફરજનો ભંગ થયો એમ કહેવાય છે. કોઝેશન એટલે કે દરદીને હાનિ થઈ અથવા એમનું મૃત્યુ થયું એની પાછળનું કારણ.અમુક રીતે કામ લેવાથી શું નુકસાન થઈ શકે છે એનો અંદાજ આવે એટલો વિવેક રાખવો એને રિઝનેબિલિટી કહેવાય છે, જેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

પ્ર.૪. શું તમારા કહેવાનો એ અર્થ છે કે ડૉક્ટરો ભૂલો કરી શકે છે અને એમને કાયદાકીય રીતે અદાલતોમાં એમના ફરજભંગ માટે જવાબદાર ઠેરવી શકાય છે?

ટૂંકો જવાબ છે, હા. જો કે, એ દરેક વ્યક્તિગત કેસ પર આધાર રાખે છે. ડૉકટરો મેડિકલ કાઉન્સિલની આચારસંહિતાનું પાલન કરવા બંધાયેલા છે એટલે સામાન્ય રીતે પોતાના દરદીને ઈજા ન થાય અને એના જીવનું જોખમ ઊભું ન થાય એ બાબતે ખૂબ જ કાળજી લેતા હોય છે. એમ છતાં પણ એવા દાખલા જોવા મળી શકે છે, જેમાં કેસની વિગતો જોતાં, ડૉક્ટરો બેદરકાર નીવડ્યા હોવાનું જણાઈ આવ્યું હોય. યોગ્ય તપાસ પછી, વકીલની મદદ લઈને એમની સામે કાયદાકીય પગલાં લઈ શકાય છે.

પ્ર.૫. કઈ અદાલતમાં કાનૂની કાર્યવાહી કરી શકાય છે અને તેનો નિકાલ કેટલા સમયમાં આવી શકે છે?

હાલમાં, તબીબી બેદરકારીના કેસો ભારતની સૌથી નીચલી ગ્રાહક અદાલતોમાં ચલાવી શકાય છે અને આ કેસની અપીલ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે. એ ખૂબ સમય માગી લેતી અને ખર્ચાળ પ્રક્રિયા છે. એમ છતાં આ કારણે કોઈ વ્યક્તિએ હતાશ થઈને અટકવું ન જોઈએ અને જો ખરેખર કેસ તથ્યભર્યો હોય અને હકીકતો પર આધારિત હોય તો વ્યક્તિએ કેસ કરવા માટે આગળ વધવું જોઈએ. સામાન્ય રીતે ભારતની નીચલી અદાલતમાં કેસ દાખલ કરીને ફાઈલિંગ કરવાની તારીખથી લઈને પૂર્ણ નિકાલ આવે એમાં ૧૫-૨૦ વર્ષ લાગી શકે છે.