ધસમસતી બાઈક પર યુવકનો ખતરનાક ‘વ્હિલી સ્ટન્ટ’; મુંબઈ પોલીસે તપાસ આદરી

મુંબઈઃ શહેરના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) વિસ્તારમાં ગયા શુક્રવારની રાતે એક મોટરબાઈક પર ખતરનાક સ્ટન્ટ કરતા ત્રણ જણનો એક વિડિયો ઈન્ટરનેટ પર જોઈને ઘણાયનાં રૂંવાડા ઉભાં થઈ ગયા છે. ખુદ મુંબઈ પોલીસતંત્રને પણ આ સ્ટન્ટબાજીથી આંચકો લાગ્યો છે. 13 સેકંડના વિડિયોમાં એક તરુણને બે તરુણી સાથે અત્યંત ભયજનક અને ખતરનાક સ્ટન્ટ કરતો જોઈ શકાય છે. ત્રણેય જણે માથા પર હેલ્મેટ પહેરી નહોતી. પોલીસે ત્રણેય જણ સામે કેસ નોંધીને તપાસ આદરી હતી અને ગઈ કાલે ફૈયાઝ કાદરી નામના યુવકની ધરપકડ કરી હતી. તે વિડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો મોટરબાઈક ચલાવે છે. એણે એક છોકરીને આગળ બેસાડી છે અને બીજીને પાછળ બેસાડી છે. વચ્ચે છોકરો બેઠો છે. એ ખતરનાક સ્પીડમાં બાઈક ભગાવે છે. ધસમસતી જતી બાઈક પર તરુણ બાઈકના આગળના પૈડાને ઉંચે ઉઠાવે છે અને ‘વ્હિલી’ (wheelie) સ્ટન્ટ કરે છે. એ વખતે આગળ એને વળગીને બેઠેલી છોકરી વચ્ચે વચ્ચે એનાં હાથ ઉપર ઉઠાવતી દેખાય છે તો પાછળની છોકરી છોકરાને મજબૂત રીતે પકડીને બેઠી છે.

એક તરફ રસ્તા પર ખોદકામ ચાલી રહ્યું છે અને બેરીકેડ્સ પણ મૂકેલા દેખાય છે. તે છતાં આવા રસ્તા પર આવી જોખમી રીતે બાઈક ચલાવીને ત્રણેય જણે પોલીસનું તેડું પોકાર્યું છે. આ વિડિયો શેર કરીને @PotholeWarriors નેટયૂઝરે મુંબઈ ટ્રાફિક પોલીસને પગલું ભરવાની વિનંતી કરી હતી. ટ્રાફિક પોલીસે તેનો જવાબ આપ્યો હતો.