દિનશા પટેલ દ્વારા ચારુસેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 1.51 કરોડનું દાન

ચાંગા: ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં સૂચિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવા માટે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-નડિયાદ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચારુસેટ કેમ્પસમાં 31મી માર્ચે એક બેઠકમાં આ ચેક દિનશા પટેલને હસ્તે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ  નગીનભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ  સી. એ. પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો.

દિનશા પટેલે કેળવણી મંડળના ઉપપ્રમુખ  સી. એ. પટેલ, એન. એમ. પટેલ, એસ્ટેટ વિભાગની ઈજનેરી ટીમ સાથે સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સલાહસૂચનો કર્યાં હતાં. સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 12 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે.

આ વિશે તેમણે જણાવ્યું હતું કે ચારુસેટ કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવા માટે સી. એ. પટેલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમતની સુવિધા સ્થપાય એ વાત જાણી મને આનંદ થયો છે અને મેં રૂબરૂ ચર્ચામાં જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવા અને નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ અંગે રૂ. 1.51 કરોડનું દાનની જાહેરાત કરી છે. જેના અનુસંધાનમાં  દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનડિયાદ તરફથી આજે રૂ. 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. બે વર્ષમાં આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે.

ત્રણ માળના અદ્યતન સુસજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જિમ્નેસ્ટિક્સ, કબડ્ડી, બાસ્કેટબોલ અને વોલિબોલ જેવી રમતો રમી શકાશે તેવો મલ્ટી પર્પઝ હોલ, ફર્સ્ટ ફ્લોર પર જિમ્નેશિયમ, એરોબિક્સ એક્સરસાઇઝ માટે સેન્ટર, સેકન્ડ ફ્લોર પર યોગા એન્ડ મેડિટેશન સેન્ટર, એડમિન ઓફિસ, લોકર રૂમ, સ્ટોર રૂમ, ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ક્લિનિક અને  રિફ્રેસમેન્ટ સ્ટોલની સુવિધા ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિનશા પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસને 1.32 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું હતું.