રાજ્યમાં મેઘ મહેર, ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ..

રાજ્યમાં પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ થઈ ચૂકી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા ચોમાસી બેસી ગયાની માહિતી આપી હતી. ત્યારે હવે ચોમાસાની શરૂઆતના થોડા દિવસો પહેલા મેઘરાજ મન મુકી ગુજરાતમાં વરસી રહ્યા છે.

ગુજરાતમાં ચોમાસું વિધિવત્ રીતે બેસે તે પહેલાં જ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સૌથી ઓછો ઝાલોદમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

આ અગાઉ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી પણ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં વાવણી લાયક વરસાદ  થતા અમરેલીના ખેડૂતોએ વાવાણીના શ્રી ગણેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદની શરૂઆત સારી થવાની સાથે ઉપરવાસના મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને મધ્ય પ્રદેશમાંથી વહિને આવતી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. ત્યારે આજે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે.