ગાર્ડિયન અખબારના ‘ભારતવિરોધી વલણ’ વિરુદ્ધ હિન્દુઓનું પ્રદર્શન

લંડનઃ બ્રિટનના અગ્રગણ્ય અખબાર ગાર્ડિયન દ્વારા કથિતપણે સતત હિન્દુ-વિરોધી અને ભારત-વિરોધી અહેવાલો આપવામાં આવતા હોવાને કારણે અહીં વસતાં હિન્દુ સમુદાયનાં લોકો નારાજ થયાં છે અને સપ્ટેમ્બરની કાતિલ ઠંડીની પરવા કર્યા વગર 50 જેટલાં બ્રિટિશ-હિન્દુ લોકોએ અત્રે ગાર્ડિયન અખબારની ઓફિસની બહાર એકત્ર થઈને શાંતપણે દેખાવો કર્યાં હતાં.

ભારતીય સમુદાયનાં લોકોનો આક્ષેપ છે કે આ અખબારના અહેવાલો પક્ષપાતી હોય છે. છપાયેલાં અહેવાલો સામે આપવામાં આવતાં પત્રોનું વર્ણન અખબારમાં છાપવામાં આવતું નથી. અખબારને તે વિશે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

દેખાવકારોનું કહેવું છે કે ભારતમાં હિન્દુ ઉપરાંત ઝોરાષ્ટ્રીયનો, બહાઈધર્મી, તિબેટિયન બૌદ્ધ લોકો, યહુદીઓ, ખ્રિસ્તી લોકો સદીઓથી લાખોની સંખ્યામાં આનંદથી રહે છે. ગાર્ડિયન અખબાર બ્રિટનમાં વસતાં હિન્દુઓ વિરુદ્ધ તિરસ્કારની લાગણીનું નિર્માણ કરે છે.

અમે અખબારને વિનંતી કરીએ છીએ કે તે આવું ન કરે નહીં તો અમે વિરોધ કરવાનું ચાલુ રાખીશું અને એના અવ્યાવસાયિક પત્રકારત્વનો પર્દાફાશ કરીશું. આ માટે અમે અખબારના તંત્રીવિભાગનાં લોકોને મળવા તૈયાર છીએ, એમ દેખાવકારોએ વધુમાં કહ્યું છે.