અમેરિકામાં ભારતીયો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી  

અમદાવાદઃ અમેરિકામાં ભારતીયો દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા લોસ એન્જલસમાં આવેલા ગાયત્રી ચેતના મંદિરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે જેના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામના મોહક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ અને ઉમળકો અમેરિકામાં વસતા ભારતીયજનોમાં પણ જોવા મળ્યો હતો. અહીં ભવ્ય કાર રેલી અને ગરબા સાથે ભારતીય અમેરિકનોએ આ મહોત્સવની ઉજવણી કરી હતી. 

આ અંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ અને ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે ભારતીય ઇતિહાસના 500 વર્ષના લાંબા સંઘર્ષ કાળમાં લાખો હિન્દુઓએ આ પ્રભુ શ્રીરામની જન્મભૂમિની રક્ષા કાજે બલિદાન આપ્યા છે. ભારતીય રાજકારણમાં એકમાત્ર ભાજપે જ શ્રીરામ મંદિર નિર્માણના પ્રબળ સંકલ્પ સાથે ભારતીય પ્રજા સાથે જનઆંદોલન અને રાજકીય સંઘર્ષ કર્યો તેમ જ સત્તા પર આવતાની સાથે જ એ સંકલ્પ સાકાર કર્યો છે. આ સમારોહને લાઇવ ટેલિકાસ્ટ નિહાળી અને અમે સૌ ભારતીય અમેરિકન નાગરિકોએ ભવ્યતા અને દિવ્યતા તેમ જ પવિત્ર હૃદયથી શ્રીરામ ભગવાનની સ્તુતિ વંદના કરી આ પવિત્ર પ્રસંગને ઊજવ્યો હતો.

આ અંગે સેરિટોસ કોલેજ ફાઉન્ડેશનના ચેરમેન પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમેરિકામાં પણ આપણે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી આ મહોત્સવની ભક્તિમય ઉજવણી કરી રહ્યા છીએ.

આ અંગે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા સૌ માટે આ ક્ષણ રાષ્ટ્રચેતના અને રાષ્ટ્ર ગૌરવનો સમય છે. આ કાર્યક્રમમાં ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી, પશ્ચિમ ઝોન, પ્રમુખ પી.કે. નાયક, પબ્લિક અફેર્સ ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના રાજુભાઈ પટેલ , કૌશિક પટેલ અને ભાનુ પંડ્યા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતો, શ્રદ્ધાળુઓ અને રાજકીય તેમ જ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.