સુરતઃ રાજ્યમાં વેપારી વર્ગને ભાજપની કરોડરજ્જુ ગણવામાં આવે છે. શહેરની ઇન્ડસ્ટ્રી અને વેપારી વર્ગ રાજ્યમાં સતત સાતમા કાર્યકાળ માટે ભાજપને ટેકો આપે એવી શક્યતા છે. સુરતનો વેપારી વર્ગ વડા પ્રધાન મોદીને તો મુખ્ય પ્રધાનપદે આરૂઢ હતા, ત્યારથી તેમને ચૂંટણીમાં ટેકો આપતો આવ્યો છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન, વેદાંત-ફોક્સકોન સેમી કન્ડક્ટર યુનિટ હોય કે રાજકોટમાં એરપોર્ટનો પ્રોજેક્ટ હોય વેપારીઓનું માનવું છે કે ભાજપ ગુજરાતને રાષ્ટ્રનું ઓદ્યૌગિક પાવરહાઉસ બનાવવા માટે નોંધપાત્ર કામ કર્યું છે. ભાજપે વર્ષ 2017ની પડકારજનક ચૂંટણીમાં પણ જીત મેળવી હતી. ભાજપે કુલ 182 બેઠકોમાંથી 99 સીટો જીતી હતી. આ જીતમાં સુરત જિલ્લાની 16માંથી 14 બેઠકો પણ સામેલ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાતે આવવાના છે. તેઓ રાજ્યને રૂ. 29,000 કરોડની ભેટ આપવાના છે. વડા પ્રધાન ડ્રીમ સિટીના ફેઝ-1નું ઉદઘાટન કરવાના છે. આ ઉપરાંત 29 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી સુરતમાં રૂ. 3472.54 કરોડનાં વિવિધ વિકાસ-કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ઉદ્યોગને શું જોઈએ? ઉદ્યોગને સતત વીજળી, રસ્તા, પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર – સરકાર આ બધું અમને પૂરું પાડે જ છે. વળી, અમે એવું સાંભળતા કે સુરતની રજૂઆત કરવા કોઈ પ્રધાન નથી, પણ પહેલી વાર સુરતનું પ્રતિનિધિત્વ કરવા માટે કેબિનેટમાં પ્રધાન છે, એમ લક્ષ્મીપતિ ગ્રુપના MD સરાવગીએ જણાવ્યું હતું. ઉદ્યોગપતિઓનું માનવું છે કે વેપાર કરવા માટે ગુજરાત સૌથી સરસ રાજ્ય છે.
