નવી સરકારનું ભાવિ પાંચ કરોડ મતદારોના હાથમાં: પંચ

ગાંધીનગરઃ રાજ્યમાં કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાત પ્રવાસે છે. પંચે રાજ્યમાં ચૂંટણી વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યમાં 4.83 કરોડ મતદારો છે. જેમાં પુરુષ મતદારો 2.50 કરોડ, મહિલા મતદાર 2.33 કરોડ, 100 વર્ષથી વધુના 11,842 મતદારો, 80 વર્ષથી વધુ વયના 10.86 લાખ મતદાર અને દિવ્યાંગ મતદારો 4.13 લાખ જેટલા છે. દર હજાર પુરુષ મતદારોએ 943 મહિલા મતદારો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે, જેમાં સામાન્ય બેઠકો 142, SC બેઠકો 13 અને ST બેઠકો 27 છે.

પંચે જણાવ્યું હતું કે, 10 ઓક્ટોબરે ચૂંટણી માટેની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્યમાં થનારી ચૂંટણીમાં કુલ 51,782 કુલ મતદાન મથકો છે. જેમાં સરેરાશ 934 મતદારો છે. શહેરી મતદાન મથકો 17,506 અને ગ્રામ્ય મતદાન મથકો 34,276 છે.

તેમણે જણાવ્યું હતું કે, દરેક વિધાનસભામાં એક મોડલ મતદાન મથક બનશે. આ વર્ષે થનારી ચૂંટણીના મતદાનમાં ઓછામાં ઓછા 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લાગશે. રાજ્યમાં નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સુરક્ષા પૂર્ણ માહોલમાં મતદાન થશે. દરેક વિધાનસભામાં સાત બૂથ મહિલા સંચાલિત હશે. પોલીસ સુરક્ષા કર્મચારીઓ પણ મહિલા હશે. એક બૂથ દિવ્યાંગ સંચાલિત હશે. 80 વર્ષથી વધુના મતદારો પોતાના ઘરેથી મતદાન કરી શકશે તેવી સુવિધા આ વર્ષે ચૂંટણી પંચ આપશે. વરિષ્ઠ નાગરિકોના સન્માનમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]