રાજ્યમાં લોકસભા, પેટા ચૂંટણીમાં 11 સીટો પર કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસ

ગાંધીનગરઃ રાજ્યમાં આવી રહેલી લોકસભા ચૂંટણી કે પેટા ચૂંટણીમાં કેટલીક બેઠકો પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ નહીં, પણ કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો ચૂંટણી જંગ થવાનો છે. રાજ્યમાં લોકસભામાં ભાજપના 27 ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે, જે દર્શાવે છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્સિસ કોંગ્રેસનો જંગ નહિ, પરંતું કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો જંગ થવાનો છે.

ભાજપે કેન્દ્રમાં સત્તા હાંસલ કરવા માટે 400 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જે માટે ભાજપ લોકસભામાં કોઈ પણ ભોગે 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. રાજ્યમાં લોકસભામાં 26માંથી 26 સીટો જીતવાના દાવા કરતી ભાજપમાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસના નેતાઓ હવે સદીને પાર કરશે.

રાજ્યમાં 2002થી અત્યાર સુધીમાં 80 જેટલા મોટા કોગ્રેસના નેતાઓએ ભાજપમાં સામેલ થયા છે. રાજ્યમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનના  હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થયા છે. વર્ષ 2017થી 2022 સુધીમાં કોંગ્રેસે 20 ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં  ભાજપે 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20માથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી હતી, જેમાંથી 9નો વિજય અને ત્રણની કારમી હાર થઈ હતી.

લોકસભામાં પણ કોંગ્રેસ

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાત બેઠકો અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાર બેઠકો પર કોંગ્રેસની સીધી સ્પર્ધા કોંગ્રેસના ઉમેદવારો સામે જ છે. લોકસભાના સાત પૈકી શોભના બારૈયા (સાબરકાંઠા), ચંદુ શિહોરા (સુરેન્દ્રનગર), પ્રભુ વસાવા (બારડોલી), દેવુસિંહ ચૌહાણ (ખેડા), ભરત ડાભી (પાટણ), વિનોદ ચાવડા (કચ્છ) અને પૂનમ માડમ (જામનગર) ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષમાં હતા.