અમદાવાદઃ દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી હવે ૨૪ જાન્યુઆરીને બદલે સુભાષ ચંદ્ર બોઝના જન્મદિન ૨૩ જાન્યુઆરીથી દર વર્ષે શરૂ થઈ જશે. ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિના મહત્વનાં પાસાંઓની ઉજવણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની મોદી સરકારની યોજનાઓને અનુરૂપ આ જાહેરાત કરવામાં આવી છે. આમ, હવે દેશમાં સુભાષ ચંદ્ર બોઝના જન્મદિને ‘પરાક્રમ દિવસ’ની ઉજવણીથી પ્રજાસત્તાક દિનની ઊજવણી શરૂ થશે.
જોકે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે પહેલા શહેરના માર્ગો પર તિરંગો વેચતા લોકોનો આ અવાજ સંભળાય છે… ભાઈ…એક ઝંડા લગા લો..
શહેરના આશ્રમ રોડ, સી.જી.રોડ હવે નવા વિકસતા 200 ફૂટ રિંગ રોડ પર તહેવારો અને ઉત્સવો આવે એટલે એની સામગ્રી માર્ગો પર દેખાવા માંડે. ભારત દેશ આઝાદ થયો પછી પ્રજાસત્તાક થયો એટલે 26 જાન્યુઆરીએ ધામધૂમથી દરેક રાજ્યમાં ઉજવણી કરવામાં આવે છે.
પરેડ અને ધ્વજ વંદન વેળાએ લોકો તિરંગો લહેરાવે. પણ હવે વાહનો, ઓફિસ અને ઘરમાં લગાડવા જુદા-જુદા આકાર અને કદના તિરંગા આવી ગયા છે. આ સાથે તિરંગાના સ્ટિકર, ફુગ્ગા, કી ચેઇન પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આઝાદીનો અમૃત મહોત્સવ પર્વના કાર્યક્રમ તો મોટા સ્ટેજ અને સ્કેલ પર યોજાય. પણ આ કોરોનાના કપરા કાળમાં હજારો લોકો માર્ગો પર તિરંગાને વેચી લોકો સુધી દેશપ્રેમ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)