ચારુસેટના બે વિદ્યાર્થીઓની પ્રજાસત્તાક દિવસની પરેડમાં પસંદગી

ચાંગાઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી –ચારુસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (CSPIT)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રવિ યાદવ (ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન) તથા રુદ્રા પટેલ (મિકેનિકલ ડિપાર્ટમેન્ટ)ની ૨૬ જાન્યુઆરી, 2022એ દિલ્હી રાજપથમાં યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડમાં પસંદગી થઈ છે. આ બંને વિદ્યાર્થીઓએ ચારુસેટ યુનિવર્સિટી ચાંગાનું અને સાથે-સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ચારુસેટના વિદ્યાર્થીઓ પસંદ થયા એ માત્ર પૂરતું નથી, પરંતુ રવિ યાદવે તો બેસ્ટ કેડેટ ઓફ ગુજરાતનો ખિતાબ હાંસલ કર્યો છે અને બેસ્ટ કેડેટ ઓફ ઇન્ડિયાની કવાયતના અંતિમ ચરણમાં પણ પહોંચ્યો છે. જ્યારે રુદ્રા પટેલે પણ મ્યુઝિકમાં અને ખાસ કરીને લુપ્ત થતી કળા વીણાવાદનમાં આગવી કળાનું પ્રદર્શન કરીને બેસ્ટ કેડેટ ઓફ ગુજરાત મ્યુઝિકનો એવોર્ડ હાંસલ કર્યો છે.રુદ્રા પટેલની ખાસ વાત એ છે કે એ કોઈ પણ મ્યુઝિકનું વાદ્ય વગાડવામાં પારંગત છે.

આ પ્રસંગે ચારુસેટ એન.સી.સી. યુનિટના કેડેટસ છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત રીતે ગણતંત્ર દિવસની પરેડમાં પસંદ થાય છે અને ગત વર્ષે પણ બેસ્ટ કેડેટ ઓફ ગુજરાત”અને “ગવર્નર મેડલ ઓફ ગુજરાત”મેળવનાર કેડેટ ચારુસેટ યુનિવર્સિટીનો હતો.

આ બંને વિદ્યાર્થીઓની આ અસાધારણ સિદ્ધિને ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોષી, CSPITના પ્રિન્સિપાલ ડો. યોગેશ કોસ્ટા, ડિપાર્ટમેન્ટ હેડ ડો. તૃષિત ઉપાધ્યાય તથા ડો. વિજય ચૌધરી, ચારુસેટ એન.સી.સી.યુનિટના સી.ટી.ઓ. ડો. પ્રિતેશ પટેલ તથા  બે GUJ CTC NCC યુનિટ વિદ્યાનગરનાં કમાન્ડિંગ ઓફિસર લે.કર્નલ. સતીષન અને યુનિવર્સિટી પરિવારે બિરદાવી છે અને ગૌરવની લાગણી અનુભવે છે.