આ એક મોટી સિદ્ધિ છે. દરેક કહે છે કે ચીનને હરાવવું અઘરું છે. આજે મેં સાબિત કર્યું છે કે કશું જ અશક્ય નથી. હું તમામ ભારતીયોને વિનંતી કરું છું કે આવતી કાલે ફાઇનલ મેચ માટે મને આશીર્વાદ આપો, જેથી હું વધુ સારું પ્રદર્શન કરી શકું. ટોક્યોમાં પેરાલિમ્પિક ટેબલ ટેનિસની સેમી-ફાઇનલ જીત્યા પછી ભાવિના પટેલે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં આ પ્રતિક્રિયા આપી હતી. બે દિવસના ગાળામાં બે મહત્ત્વની મેચ રમીને ફાઇનલમાં પ્રવેશ કરનાર ભાવિના પટેલ ઉત્સાહમાં તો છે જ, સાથે જ તેમના અવાજમાં થાક પણ વર્તાઈ રહ્યો છે. આવતી કાલે-29મીએ સવારે જીવનની સૌથી મોટી મેચ પેરાલિમ્પિક ફાઇનલ રમવા માટે એ પોતાની શક્તિ અને ઊર્જા ભેગી કરી રહી છે. આખી ભારતીય પેરાલિમ્પિક્સ ટીમ અને તેમના પતિ નિકુલભાઈ પટેલ તેમને પ્રોત્સાહન આપવા માટે હાજર છે.
ભારતમાં પ્રથમ અને વિશ્વમાં 8મું રેન્કિંગ ધરાવતી ભાવિના પટેલ 35 વર્ષનાં છે. મૂળ મહેસાણા જિલ્લાના વડનગર નજીક આવેલા સૂંઢિયા ગામમાં કટલરીની દુકાન ચલાવતા હસમુખ પટેલની દીકરી ભાવિનાનાં અમદાવાદમાં વેપાર કરતા નિકુલ પટેલ સાથે લગ્ન થયાં છે. તે ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ)ના કર્મચારી છે. 2008થી તે ટેબલ ટેનિસ રમે છે. એ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમને પગે પોલિયો થયેલો. એ પછી શરૂ થયેલો સંઘર્ષ આજે પણ ચાલે છે. ભાવિના પટેલ કહે છે, 2008થી 2020માં મેં નેશનલ ટુર્નામેન્ટમાં 12 ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મેં 28 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને એમાં પાંચ ગોલ્ડ, 12 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે. છેલ્લી એશિયન ગેમ્સમાં મેડલ મેળવેલો, પરંતુ સામાન્ય ખેલાડી જેટલું પ્રોત્સાહન દિવ્યાંગ ખેલાડીને નથી મળતું, પેરાલિમ્પિકના ખેલાડીઓમાં પણ ટેલન્ટની કમી નથી, માત્ર અમને જરૂરી મદદ મળે, પ્રોત્સાહન મળે તો બીજા અનેક ખેલાડી આગળ આવશે.
– ફોટો કર્ટસી – નિકુલ પટેલ (ટોક્યો, જાપાન)
ભાવિના પટેલ ભારતીય રમતમાં ઇતિહાસ સર્જવાથી એક જ ડગલું પાછળ છે. ભાવિના પટેલ કહે છે, અમે તો આ પાયો બનાવ્યો છે આવનારી પેઢીએ એની ઉપર બાંધકામ કરીને ઇમારત રચવાની છે. ચીનને ટેબલ ટેનિસમાં હરાવવું એ અશક્ય છે એવું એબલ અને અમે ડિસેબલ બધા માને છે, પણ આ જે એ અશક્ય કામ મેં શક્ય કરી બતાવ્યું છે. બસ હવે આવતી કાલે તિરંગાની સાથે જન ગણ મનની ગુંજ અહીં ટોક્યોમાં વાગે એ જ આશા છે અને તૈયારી પણ.
(ફયસલ બકિલી)