આ તારીખથી શરૂ થશે શરૂ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો..

ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળોનો સમાવેશ થશે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે  મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.

21 કિલોમીટરનો રૂટ..

આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.

પ્રોજેક્ટની માહિતી

આ પ્રોજેક્ટ અંગેની મહત્વની વિગતો વિશે જાણીએ તો સૌ પ્રથમ મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે. મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટ ખર્ચની વાત કરીએ તો મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે. આ રૂટના કારણે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. એટલુ જ નહીં મેટ્રોના લીધે વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં મદદ મળે છે. શહેરોમાં થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, મેટ્રોનું આ વિસ્તરણ પર્યાવરણ અને આર્થિક વિકાસ માટે એક દૂરંદેશી ઉપાય બની રહેશે.