મહારાષ્ટ્ર: પુણેમાં આવેલા ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ ખાતે આગામી 11મી ઓગષ્ટથી લઈને 15મી ઓગષ્ટ સુધી ઓશો ધ્યાન અને સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઓશોના અનુયાયીઓનું માનવું છે કે વર્ષાઋતુ હંમેશા મહાન સંગીતને પ્રેરણા આપે છે. પછી તે શાસ્ત્રીય સંગીત હોય કે સિનેમા જગતનું સંગીત. ઓશો દ્વારા સંગીતનો ઉપયોગ ધ્યાન માટે કરવામાં આવ્યો છે. તેમણે સંગીત અને ધ્યાનને લઈને અનેક પ્રયોગો કર્યા છે. ઓશોના મોટાભાગના ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રભાવ, સૂર અને લયની ધૂન પર રચાયેલા છે.ઓશોનું કહેવું છે કે, “સંગીત ધ્યાનથી ઉત્પન્ન થાય છે અને પછી સંગીત મૌન છે.” આ ધ્યાન અને સંગીત મહોત્સવમાં આ વર્ષે કેટલાંક પ્રસિદ્ધ સંગીતકારોને ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. અનુપ જલોટા, જશપિંદર નરૂલા, ઉદય રામદાસ, મિલીંદ તુલનકર અને મિલીંદ દાતેનો તેમાં સમાવેશ થાય છે. દર વર્ષે આ કાર્યક્રમમાં હજારો લોકો ભાગ લેતાં હોય છે. આ વર્ષે પણ આશ્રમ હજારો લોકોથી ભરેલું હશે. આ બધાં જ લોકો એકસાથે ધ્યાન કરે છે. ભારત ઉપરાંત દુનિયાના અલગ-અલગ દેશોમાંથી ઓશોના ફોલોઅર્સ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખાસ આવતા હોય છે.
