ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના વધુ એક પત્રથી ખળભળાટ

જૂનાગઢ: ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ફરી એકવાર જવાહર ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીને સંબોધીને ફરી જવાહર ચાવડાએ લેટર વોર શરૂ કર્યું છે. તેમણે લેટર પોસ્ટ કરીને જૂનાગઢમાં કમલમ કાર્યાલય બનાવવા માટે તમામ શરતોનો ભંગ કરાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. બિનખેતી જમીન કરાવ્યા બાદ નિયમો તોડીને કાર્યાલય બનાવવામાં આવ્યું હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

જવાહર ચાવડા 2017માં જયારે કોંગ્રેસમાં હતા, ત્યારે કાર્યાલય ગેરકાયદે હોવાનો પત્ર લખ્યો હતો. ત્યારે હવે 2017ના પત્રને ફરીથી પોસ્ટ કરીને PM મોદીને ટાંકીને ફરિયાદ કરી છે. મહત્ત્વનું છે કે વર્ષ 2017માં કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતા. 8 માર્ચ 2019એ જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા.

જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને આડેહાથ લીધા હતા. તેમણે PM મોદીને ટાંકીને લખેલા પત્રમાં કિરીટ પટેલ પર હોદ્દાનો દુરુપયોગ કરીને સત્તાલાલસામાં રાચતા હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. પત્રમાં જવાહર ચાવડાએ લખ્યું હતું કે, કિરીટ પટેલે વોકળા ઉપર કરેલા દબાણને કારણે જ શહેરમાં પૂર આવ્યું. સાથે જ તેમણે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એકસાથે 3 હોદ્દા ભોગવતા હોવાની પણ PMને રજૂઆત કરી હતી.