મુંબઈઃ બોલીવૂડ એક્ટર રણવીર સિંહ ન્યૂડ ફોટો શૂટને લઈને ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર રણવીર સિંહે ન્યૂડ ફોટો શેર કર્યો હતો. જે પછી ટ્વિટર પર ઇન્સ્ટાગ્રામ પર અનેક પ્રતિક્રિયા આવી છે. રણવીર સિંહ સામે મહિલાઓની લાગણી દુભાઈ હોવાથી મુંબઈ પોલીસમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. જે પછી મુંબઈ પોલીસે રણવીર સિંહની સામે FIR નોંધ્યો છે.
તેના પર 292, 293, 509 અને IT એક્ટની કલમ 2000ની કલમ 67A હેઠળ કેસ થયો છે. જોકે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી રણવીર સિંહના સપોર્ટમાં આગળ આવ્યા છે. તેમણે આને જુનવાણી વિચારધારા ગણાવતાં કહ્યું છે કે એક્ટર સામે FIR દાખલ થવી એ બેવકૂફી છે. તેમણે કહ્યું હતું કે રણવીર સિંહનો કેસ એવો છે જેના પર વિના કારણ લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે મહિલાઓની આટલી નગ્ન તસવીરો હોય છે, ત્યારે એનાથી પુરુષોની લાગણીને ઠેસ નથી પહોંચતી?
તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી સંસ્કૃતિમાં માનવ શરીરની હંમેશાં પ્રશંસા કરી છે. વાસ્તવમાં એ ઇશ્વરની સૌથી સુંદર રચના છે. આ બહુ રૂઢિવાદી અને જુનવાણી વિચારધારા છે, જેને હું ટેકો નથી આપતો. રણવીર સિંહ ટૂંક સમયમાં ‘રોકી અને રાણીની પ્રેમ કહાની’માં જોવા મળશે. તેણે હાલમાં એક મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કર્યું હતું.