નવી દિલ્હીઃ 90ના દાયકામાં કશ્મીરમાં ઈસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓએ કશ્મીરી હિન્દુ પંડિતોનાં કરેલા નરસંહાર અને ત્રાસવાદી તત્ત્વોને કારણે કશ્મીર પંડિતોને ભોગવવી પડેલી યાતના તથા ત્યાંથી કરવી પડેલી હિજરત પર આધારિત હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ હાલ દેશભરમાં 500થી વધારે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મના સર્જકોની ટીમનાં સભ્યો ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયાં હતાં. એમાં દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી, અભિનેત્રી અને ફિલ્મનાં એક નિર્માત્રી પલ્લવી જોશી અને નિર્માતા અભિષેક અગ્રવાલનો સમાવેશ થાય છે.
ફિલ્મમાં પલ્લવી જોશી ઉપરાંત અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર સહિત અન્ય કલાકારો પણ છે. નિર્માતા અગ્રવાલે વડા પ્રધાન સાથે એમની તસવીરોને એમના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. એમણે લખ્યું છે કે, ‘વડા પ્રધાન મોદીએ ફિલ્મની પ્રશંસા કરી છે, જે એમને મન વિશેષ છે. મોદીજીની પ્રશંસા આ ફિલ્મના નિર્માણમાં અમારે મને સૌથી વધારે ગર્વભરી બાબત છે.’
‘ધ કશ્મીર ફાઈલ્સ’ વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત રાજકીય-સીરિઝ થ્રિલરની બીજી ફિલ્મ છે. આ સીરિઝમાં એમની પહેલી ફિલ્મ હતી ‘ધ તાશ્કંત ફાઈલ્સ’, જે 2019માં રિલીઝ થઈ હતી. તે ફિલ્મ ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના ભેદી મૃત્યુ પર આધારિત હરતી. અગ્નિહોત્રી આ પહેલાં ‘ચોકલેટ’, ‘ધના ધન ધન ગોલ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.