મુંબઈઃ ‘કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનને ફરી એક વાર આડે હાથ લીધો છે અને આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મના ધબડકા અંગે પોતાના વિચાર શેર કર્યા છે. એક ઈન્ટરવ્યૂમાં અગ્નિહોત્રીએ કહ્યું કે, ‘આ ફિલ્મ ફ્લોપ ગઈ એનું કારણ લોકોનો બહિષ્કાર નથી, પરંતુ લોકોને આ વખતે આમિરમાં એના રોલ પ્રતિ પ્રામાણિકતાનો દેખાયેલો અભાવ છે.’
અગ્નિહોત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘આમિરના વફાદાર દર્શકોનો પણ એક વર્ગ છે. જો ‘લાલસિંહ ચઢ્ઢા’ લોકોનાં બહિષ્કારને કારણે ફ્લોપ ગઈ હોય તો આમિરના વફાદારો તો એના સમર્થનમાં આગળ આવ્યા હોતને. એ લોકોએ પણ આ ફિલ્મને નકારી કાઢી છે. તો પછી તમારે આવી ફિલ્મમાં કામ કરવા માટે રૂ. 150-200 કરોડની ફી લેવાય જ નહીં. જો તમારો વફાદાર દર્શકવર્ગ ન હોય તો એનો મતલબ એ થયો કે તમે બોગસ અને ઢોંગી છો. તમે લોકોને મૂર્ખ બનાવો છો. તો પછી તમે શું જોઈને રૂ. 150-200 કરોડની ફી લો છો? આ જ આમિરની ‘દંગલ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી. એનું કારણ એ હતું કે દર્શકોને આમિરની એનાં રોલ પ્રતિ પ્રામાણિકતા દેખાઈ હતી. એમાં એણે પિતાની ભૂમિકા કરી હતી અને રોલને ન્યાય મળે એ માટે એણે શરીરનું વજન પણ વધાર્યું હતું. ‘લાલસિંહ ચઢ્ઢા’માં દર્શકોને એવું કંઈ જ જોવા નથી મળ્યું. રણવીરસિંહની ‘જયેશભાઈ જોરદાર’ ફ્લોપ ગઈ એનું કારણ છે કે રણવીરનો ફિલ્મ વિશેનો પ્રચાર. એણે દર્શકોને મુંઝવી નાખ્યા હતા. લોકો એ સમજી શક્યા નહોતા કે આ ફિલ્મ તો કન્યાભ્રૂણ હત્યાને લગતી છે.’