હવેની ફિલ્મોમાં સમાજની સમસ્યાઓનો પડઘો નથી પડતોઃ પલ્લવી જોશી

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ પલ્લવી જોશીની ’ધ કાશ્મીર ફાઇલ્સ’ હાલના સમયમાં બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મ હતી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઓછા બજેટની ફિલ્મ હતી, પણ એ ફિલ્મમાં કોઈ મોટા સુપરસ્ટાર ના હોવા છતાં ધૂમ કમાણી કરી હતી, એની સરખામણીમાં મોટા બજેટની સુપરસ્ટાર્સવાળી બોલીવૂડની અનેક ફિલ્મે બોક્સ ઓફિસ પર કંગાળ દેખાવ કર્યો છે. કાશ્મીર ફિલ્મ માત્ર રૂ. 15 કરોડમાં બની હતી અને એ ફિલ્મે વિશ્વમાં 350 કરોડની કમાણી કરી હતી.

જોકે બોલીવૂડ માટે 2022 બહુ ખરાબ રહ્યું હતું. આમિર ખાનની ‘લાલ સિંહ ચડ્ઢા’ હોય કે રણબીર સિંહની ‘શમશેરા’ હોય –આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધે માથે પટકાઈ હતી, પણ એનું શું કારણ હતું? પલ્લવી જોશી આ વિશે વાત કરી હતી. તેણ કહ્યું હતું કે હું બોલીવૂડની બહુ નિષ્ણાત તો નથી, પણ દર્શકો વિષય અને પર્ફોર્મન્સને બહુ સારી રીતે સમજે છે. વળી, ફિલ્મ ફ્લોપ જઈ રહી છે, કારણ કે એમાં દેશની સમયસ્યાઓનું પ્રતિબિંબ નથી પડતું.  તેણે કહ્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર એટલે હિટ હતી, કેમ કે એ ફિલ્મનું કથાવસ્તુ વાસ્તવિકતા પર આધારિત હતું.

જો તમે રાજ કપૂર, મનોજકુમાર, સુનીલ દત્તની ફિલ્મ જોશો તો તમને એમાં સમાજનું દર્પણ દેખાશે. એમની ફિલ્મોમાં દેશની ઊભી થતી સમસ્યાઓની આસપાસની વાર્તા-પ્રસંગો પર આધારિત હતી. હાલ દેશની સમસ્યાઓ પર આધારિત ફિલ્મ હવે નથી બનતી, જેથી લોકો ફિલ્મજગતથી અળગા થઈ ગયા છે.