મલ્ટિપ્લેક્સમાં માત્ર રૂ. 75માં ફિલ્મ જોવાની તક

મુંબઈઃ ફિલ્મપ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. આ મહિને તેઓ PVR, Inox, સિનેપોલિસ, કાર્નિવલ, મિરાજ, સિટીપ્રાઇડ, એશિયન મુક્તા A2 અને મુવી ટાઇમ સહિત અન્ય મલ્ટિપ્લેક્સમાં માત્ર રૂ. 75માં ફિલ્મ જોઈ શકશે. જોકે આ માત્ર એક દિવસ પૂરતું છે, જે 16 સપ્ટેમ્બરે રહેશે. જેને નેશનલ સિનેમા ડે તરીકે ઊજવવામાં આવે છે.

મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (MAI)એ શુક્રવારે ફિલ્મપ્રેમીઓ માટે આ વિશેષ ઓફરનું એલાન કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સિનેમા દિવસના પ્રસંગે 16 સપ્ટેમ્બરે 4000થી વધુ સ્ક્રીનો પર રૂ. 75માં મુવી દેખાડવામાં આવશે.

આ માત્ર ભારતમાં જ નહીં, પણ આ દિવસે ફિલ્મપ્રેમીઓને સસ્તામાં ફિલ્મ બતાવવાની યોજના છે. અમેરિકામાં ત્રીજી સપ્ટેમ્બરે નેશનલ સિનેમા ડેએ માત્ર ત્રણ ડોલરમાં સિનેમાર્ક અને AMCની સ્ક્રીનો પર મુવી જોવા માટે ઓફર આપવામાં આવી છે. અમેરિકા સિવાય ઇંગ્લેન્ડ, યુરોપ અને પશ્ચિમી આફ્રિકી દેશોમાં ભારતની જેમ 16 સપ્મ્બરે નેશનલ સિનેમા ડે ઊજવવામાં આવે છે અને ત્યાં પણ આવી ઓફર આપવાની યોજના છે.  આ સ્પેશિયલ ઓફર વિશે વધુ માહિતી સંબંધિત થિયેટરો, તેમની વેબસાઇટો અને સોશિયલ મિડિયા હેન્ડલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નેશનલ સિનેમા ડેએ થિયેટરો ફરીથી ખૂલવાની ઊજવણી કરવામાં આવે છે અને દર્શકોને એક રીતે આભાર છે, જેમણે આ શક્ય બનાવ્યું છે. નેશનલ સિનેમા દિવસ એ ફિલ્મપ્રેમીઓ માટે એક આમંત્રણ છે, જેમણે અત્યાર સુધી કોરોના રોગચાળા પછી અત્યાર સુધી સિનેમાહોલમાં પરત નથી ફર્યા.