ભાજપે 27-વર્ષ રાજ કર્યું, રાજ્યમાં હવે પરિવર્તન જરૂરીઃ કેજરીવાલ

રાજકોટઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે રાજકોટ પહોંચ્યા છે. તેમણે શહેરમાં પત્રકાર પરષિદ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે અમને હલકામાં લેવાની ભૂલ નહીં કરતા અમે કોંગ્રેસ નથી. અત્યાર સુધી તમે માત્ર કોંગ્રેસ જોડે જ ચૂંટણી લડતા હતા, પણ હવે મેદાનમાં આ આમ આદમી પાર્ટી પણ છે. અમે સરદાર અને ભગત સિંહની રાહ પર ચાલનારા વ્યક્તિઓ છીએ. અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું.

સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠિયા પર થયેલા હુમલા વિશે તેમણે કહ્યું હતું કે  સુરતમાં ગણેશ પંડાલમાં ઊભા હતા અને હુમલો કર્યો. અહીંના મિડિયાને પણ ભાજપવાળા દબાવે છે. ભાજપને હાર દેખાઈ રહી છે. અમે તો ભગત સિંહને અમારા આઇડલ માનીએ.

તેમણે કહ્યું હતું કે સુરતમાં વિધાનસભાની 12 માંથી સાત સીટ આમ આદમી પાર્ટીની આવશે. આ વખતે ઝાડુનું બટન દબાવજો. હું એક જ મહિનામાં તમામ વચનો પૂરાં કરીશ. રાજ્યમાં હવે બદલાવ જરૂરી છે, કેજરીવાલને મત આપજો. હું તમારા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશ. ભાજપ હવે ઊંઘમાંથી સફાળો જાગ્યો છે અને અને હવે વિવિધ લોકોના પ્રશ્નો હલ કરી રહ્યો છે એમ તેમણે કહ્યું હતું.

તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે ભાજપ સરકારે 27 વર્ષ રાજ કર્યું છે. હવે તેમને બધું યાદ આવે છે. આટલાં વર્ષો સુધી રાજ કર્યા પછી હવે તેમનું અભિમાન વધી ગયું છે. હવે તો સરકાર જનતાનું પણ સાંભળતી નથી. અત્યારે તમને બધા વાયદા કરશે, પરંતુ ચૂંટણી પછી કશું આપશે નહીં.