કેજરીવાલનું 10 લાખ યુવાઓને નોકરી આપવાનું ‘ચૂંટણી’ વચન

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ફરી એક વાર ભાજપ વિરુદ્ધ આપ પાર્ટી અને કોંગ્રેસનો ત્રિપાંખિયો જંગ જામે એવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર રાજ્યના બે દિવસના પ્રવાસે આવ્યા છે. તેઓ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.  તેમણે દ્વારકાધીશના દર્શન કરીને રાજ્યની જનતાને રોજગારીનું વચન આપ્યું હતું.

તેમણે દ્વારકામાં ખેડૂતોની એક જંગી જનસભાને સંબોધી હતી  તેમણેજનતાને સંબોધતાં જણાવ્યું હતું કે રાજ્યના યુવાઓને 10 લાખ સરકારી નોકરી તૈયાર કરવાનું વચન આપ્યું હતું.  તેમણે આ સરકારી નોકરીની ભરતી એક વર્ષમાં  કરવાનું વચન આપ્યું હતું.

તેમણે રાજ્યમાં પેપર ફૂટવાની ઘટના પર આકરા પ્રહાર કરતા હતા. તેમણે તમામના આરોપીઓને જેલભેગા કરવાની ગેરન્ટી પણ આપી હતી.  તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર બનશે તો તમારા જૂનાં તમામ બિલ માફ અને દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. 18 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા જમા કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યની તમામ સરકારી સ્કૂલો વધુ સારી બનાવીશું. ગુજરાતની તમામ પ્રાઇવેટ સ્કૂલોની ઓડિટ કરાવીશું અને તેમણે જેટલી પણ વધારે ફી લીધી છે એ પાછી અપાવીશું. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સ્થિતી સુધારીશું અને તેમાં તમામ લોકો માટે ઈલાજ મફત હશે. ખેડૂત પોતાની ઊપજ MSP પર સરકારને વેચી શકશે, સરકાર તેમની ઊપજ ખરીદશે. ખેડૂતોને દિવસે 12 કલાક ખેતી કરવા માટે વીજળી આપીશું, એમ તેમણે કહ્યું હતું.