સોનૂ રાજકારણમાં નહીં જોડાય, એની બહેન ચૂંટણી-લડશે

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે આજે એક મહત્ત્વની જાહેરાત કરીને સ્પષ્ટતા કરી દીધી છે કે પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે પોતે કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડા, પરંતુ એની બહેન માલવિકા સૂદ રાજકારણમાં જોડાશે. સોનૂએ જોકે પત્રકારો સાથેની વાતચીતમાં એવું ઉમેર્યું પણ હતું કે માલવિકા કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે એ હજી નક્કી થયું નથી. ‘તમારી બહેન માલવિકા કઈ પાર્ટીમાં જોડાશે?’ એમ પૂછતાં સોનૂએ કહ્યું કે, ‘પાર્ટી મહત્ત્વની નથી, નીતિ મહત્ત્વની છે. મારી બહેન જનતા અને સમાજની સેવા બજાવશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, બંને સારી પાર્ટી છે. મારી પંજાબની જનતાને અપીલ છે કે તેઓ માલવિકાનું સમર્થન કરે.’

‘મારો પરિવાર પંજાબની જનતાની સેવા બજાવે એવું હું ઈચ્છું છું. અમને પંજાબમાં શિક્ષણ તથા આરોગ્યની સ્થિતિમાં સુધારો લાવવામાં રસ છે. હું કોઈ એવા મંચમાં જોડાઈશ જેમાં ટાંટિયાખેંચ પ્રવૃત્તિ ન હોય અને મને સ્વતંત્રતાપૂર્વક મારું કામ કરવા દેવામાં આવે. એવું મંચ રાજકીય પણ હોઈ શકે અને બિન-રાજકીય પણ,’ એમ સોનૂએ વધુમાં કહ્યું હતું.