ફિલ્મલાઈનમાં જોડાવાની ત્રિશાલા દત્તે ઘસીને ‘ના’ પાડી

ન્યૂયોર્કઃ બોલીવુડ અભિનેતા સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે ગઈ કાલે રાતે ઈન્સ્ટાગ્રામ પર તેનાં ફોલોઅર્સ અને પ્રશંસકો સાથે જાહેર વાર્તાલાપ યોજ્યો હતો અને સવાલોના જવાબ આપ્યાં હતાં. વાર્તાલાપમાં સામેલ થયેલાં લોકોએ એને તેનાં લગ્નની યોજના, બોલીવુડ, માતા-પિતા તથા માનસિક આરોગ્ય વિશે સવાલો પૂછ્યાં હતાં. એક ફોલોઅરે જ્યારે પૂછ્યું કે લગ્ન કરવા વિશે તારો શું પ્લાન છે? ત્યારે અમેરિકામાં રહેતી 33-વર્ષીય ત્રિશાલાએ કહ્યું કે, ‘આ ઉંમરે ડેટિંગ કરવું સારું ન કહેવાય. પરંતુ જો કોઈ યોગ્ય જેન્ટલમેન મળી જશે, જે મારી સાથે માન, પ્યાર અને પ્રશંસા સાથે વ્યવહાર કરશે તો એની સાથે હું જરૂર લગ્ન કરીશ. અને હા, આ બધું અરસપરસ જ હશે. જીવન આનંદભર્યું હોવું જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, ત્રિશાલાનાં એક બોયફ્રેન્ડનું 2019માં મૃત્યુ નિપજ્યું હતું. જોકે એનું નામ એણે ક્યારેય જાહેર કર્યું નથી.

એક પ્રશંસકે જ્યારે પૂછ્યું કે તારાં પિતા (સંજય દત્ત)નો વારસો આગળ વધારવા માટે ફિલ્મલાઈનમાં પ્રવેશવામાં તને રસ છે? ત્યારે એનાં જવાબમાં ત્રિશાલાએ કહ્યું કે, ના. હું મારો પોતાનો વારસો તૈયાર કરવામાં વ્યસ્ત છું. ત્રિશાલા જ્યારે 8 વર્ષની હતી ત્યારે એની માતા રિચા શર્માનું કેન્સરને કારણે મૃત્યુ નિપજ્યું હતું. એ અમેરિકામાં જ રહે છે, પરંતુ મુંબઈમાં રહેતા પિતા સંજય દત્ત, સાવકી માતા માન્યતા દત્ત સાથે ગાઢ સંબંધ અને સંપર્ક જાળવી રાખ્યો છે. ત્રિશાલા અને માન્યતા સોશિયલ મિડિયા પર અવારનવાર એકબીજાંની પોસ્ટ ઉપર સંદેશ મૂકતાં હોય છે અને વિશેષ પ્રસંગોએ એકબીજાંની શુભેચ્છા આપે છે.