‘રાધે’ ફિલ્મ પાઈરેસીનો શિકાર બની; પોલીસ FIR નોંધાઈ

મુંબઈઃ સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી અને ગઈ 13 મેએ ઈદ તહેવારમાં રિલીઝ કરાયેલી હિન્દી ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ વોટ્સએપ અને ટેલીગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર ચાંચિયાગીરીનો શિકાર બની છે. ફિલ્મની ગેરકાયદેસર પાઈરેટેડ આવૃત્તિઓ ઉક્ત બે મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવી છે. આની સામે ફિલ્મની નિર્માતા કંપની ઝી એન્ટરટેનમેન્ટ લિમિટેડે મુંબઈ પોલીસના સાઈબર સેલ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઝી કંપનીએ કહ્યું છે કે અધિકારીઓ આ ચાંચિયાગીરી પ્રવૃત્તિમાં સંડોવાયેલા ફોન નંબરોને શોધી રહ્યા છે અને એ મળી ગયા બાદ જરૂરી કાયદેસર પગલાં ભરવામાં આવશે. આ પ્રકારની પ્રવૃત્તિને કારણે ફિલ્મ ઉદ્યોગના વિકાસને માઠી અસર પડે છે, ઉદ્યોગમાં દિવસ-રાત મહેનત કરનારાઓની આજીવિકા છીનવાય છે.

‘રાધે’ ફિલ્મ થિયેટરોમાં તેમજ ઓટીટી પ્લેટફોર્મ (પે-પર-વ્યૂ), એમ બંને સ્તરે એક સાથે રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ, રણદીપ હુડાની પણ મુખ્ય ભૂમિકા છે.