શહેરમાં ‘તાઉ’તે’ વાવાઝોડાએ વિનાશ વેર્યોઃ રાજ્યમાં 13નાં મોત

અમદાવાદઃ ‘તાઉ’તે’ વાવાઝોડાએ રાજ્યમાં વિનાશ વેર્યો છે. ‘તાઉ’તે’ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. આ વાવાઝોડાને લીધે અમદાવાદમાં 38 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. શહેરમાં અત્યાર સુધીમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે, જેથી શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયાં છે. શહેરમાં અનેક ઝાડ ઊખડી ગયાં છે તો ક્યાંક છાપરાં ઊડ્યાં છે તો ક્યાંક મકાનોને નુકસાન થયું છે. જોકે ‘તાઉ’તે’ની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે.

શહેરમાં ભારે પવન ફૂંકાવાને લીધે રિવરફ્રન્ટ પર પણ મોટા ભાગનાં વૃક્ષો પડી ગયાં છે. ઝાડ પડવાને કારણે અનેક જ્ગ્યાએ રસ્તા પણ બંધ થયા છે. જેથી લોકોએ જાતે ઝાડ હટાવીને રસ્તો કરી લીધો છે.  શહેરના ઘીકાટા વિસ્તારમાં આવેલા પાંચ ભાઈની પોળમાં વાવાઝોડાને કારણે જર્જરિત હાલતમાં રહેલું એક મકાન તૂટી પડ્યું હતું. આ સાથે નારણપુરામાં આદર્શનગર પાસેનો ઇલેક્ટ્રિક થાંભલો તૂટી ગયો હતો.

શહેરમાંથી 189 વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદ કોર્પોરેશનને મળી છે તો 43 સ્થળે પાણી ભરાયાંની પણ ફરિયાદ મળી છે. બે જગ્યાએ ભૂવા પડવાના તો એક જગ્યાએ રોડ બેસી ગયાની ઘટના બની હતી. અમદાવાદમાં ફૂંકાયેલા તોફાની પવનથી પડી ગયેલાં વૃક્ષની ફરિયાદો સતત નોંધાઈ રહી છે.

રાજ્યમાં ચારનાં મોત

મુખ્ય પ્રધાન રૂપાણીએ ‘તાઉ’તે’ વાવાઝોડાની સ્થિતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે  ‘તાઉ’તે’ વાવાઝોડાની અસરથી 2437 ગામોમાં વીજ-પુરવઠો ખોરવાયો છે, જેમાંથી 484થી વધુ ગામોમાં પુરવઠો પુનઃ એક વાર શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે રાજ્યમાં અંદાજે 40,000 વૃક્ષો ધરાશાયી થયાં છે. જ્યારે 16,500 જેટલાં કાચાં મકાનો-ઝૂંપડાને નુકસાન પહોંચ્યું છે. હજી પણ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ‘તાઉ’તે’ વાવાઝોડાને કારણે રાજ્યમાં 13 લોકોના મોત થયા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]