મારુતિ સુઝૂકીએ અમદાવાદમાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી

અમદાવાદઃ ઓટોમોબાઈલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ ઝાયડસ હોસ્પિટલ્સની સાથે ભાગીદારીમાં અમદાવાદ જિલ્લાના સીતાપુરમાં એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ, આ હોસ્પિટલ શરૂ કરવા પાછળનો કુલ મૂડી ખર્ચ રૂ. 126 કરોડ થયો છે. આ મૂડી સંપૂર્ણપણે મારુતિ સુઝૂકી ફાઉન્ડેશન સંસ્થા તરફથી આપવામાં આવી છે, જે મારુતિ સુઝૂકીનું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ઉપક્રમ છે.

આ હોસ્પિટલનું સંચાલન ઝાયડસ ગ્રુપની CSR શાખા – રમણભાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આ હોસ્પિટલ કોરોનાવાઈરસના દર્દીઓની પણ સંભાળ લેશે. મારુતિ સુઝૂકી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ કેનિચી આયુકાવાએ એક નિવેદનમાં કહ્યું છે કે અમે જ્યારે ગુજરાતમાં અમારો કાર પ્લાન્ટ શરૂ કર્યો હતો ત્યારે એ વિસ્તારમાં કોઈ મોટું મેડિકલ કેન્દ્ર નહોતું. તેથી અમે નક્કી કર્યું હતું કે વિસ્તારના રહેવાસીઓના લાભ માટે અમે એક સારી ગુણવત્તાવાળી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ બંધાવીશું. અમે એ માટે ઝાયડસ હોસ્પિટલ્સ સાથે ભાગીદારી કરી છે. શરૂઆતમાં આ હોસ્પિટલ 50-પથારીવાળી હશે, જેને સતત વિસ્તારીને 100-પથારીની કરવામાં આવશે. આ હોસ્પિટલ 7.5 એકર જમીન પર વિસ્તરેલી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]