મુંબઈઃ ગોવામાં હાલમાં જ યોજાઈ ગયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) મહોત્સવના પૂર્ણાહુતિ સમારોહમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મની ટીકા કરવા બદલ ભારતભરમાં વગોવાયેલા ઈઝરાયલી ફિલ્મ નિર્માતા નદાવ લાપિડે હવે એમના નિવેદન બદલ માફી માગી છે. એમણે કહ્યું છે, ‘મારા નિવેદનથી કશ્મીરી પંડિતોની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. કોઈની પણ લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો. મારે પંડિતોનું અપમાન કરવું નહોતું.’
IFFI કાર્યક્રમમાં લાપિડ આંતરરાષ્ટ્રીય જ્યૂરીના અધ્યક્ષ પદે હતા. એમણે વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને પ્રચારક અને અશ્લીલ ફિલ્મ કહી હતી. તે ટીકા કર્યા બાદ લાપિડ ભારતમાંથી ચાલ્યા ગયા હતા. જોકે એમણે સીએનએન-ન્યૂઝ18 ન્યૂઝ ચેનલને પાછું એમ પણ જણાવ્યું કે, ‘માફી માગવા સાથે, હું સ્વયંને અને મારા સાથી જ્યૂરી સભ્યોને સ્પષ્ટ કરવા માગું છું કે આ વલ્ગર પ્રોપેગેન્ડા ફિલ્મ છે, જેને આવા પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક વર્ગમાં સ્થાન આપવું અયોગ્ય કહેવાય. હું એ ફરી-ફરીને પુનરોચ્ચાર કરીશ.’
