સામાન ગુમાતાં રાણા દગ્ગુબાતી ઈન્ડીગો-એરલાઈન પર ભડક્યો

હૈદરાબાદઃ દક્ષિણી ભાષાઓની ફિલ્મોના અભિનેતા રાણા દગ્ગુબાતીએ ટ્વિટરના માધ્યમથી ઈન્ડીગો ઉપર પોતાનો રોષ ઠાલવ્યો છે અને પોતાને ભારતમાં અત્યાર સુધીમાં સૌથી ખરાબ વિમાનપ્રવાસનો અનુભવ કરાવનાર એરલાઈન તરીકે ઓળખાવી છે. ‘બાહુબલી’ ફિલ્મમાં ‘ભલ્લાલદેવ’ની ભૂમિકા ભજવનાર રામાનાયડુ ઉર્ફે રાણા દગ્ગુબાતી એના પરિવારજનો સાથે બેંગલુરુ જતો હતો ત્યારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એનો સામાન ગૂમ થઈ ગયો હતો. તરત જ એણે ટ્વિટર પર ટીકાત્મક સંદેશ મૂક્યો હતો કે, ‘ભારતનો સૌથી ખરાબ એરલાઈન અનુભવ કરાવ્યો છે ઈન્ડીગોએ. ફ્લાઈટના સમયના ઠેકાણા નથી… અમારો સામાન ગૂમ થઈ ગયો છે અને એનો કોઈ પત્તો નથી… સ્ટાફને કંઈ જ ખબર નથી? આનાથી ખરાબ બીજું શું હોઈ શકે?’

દગ્ગુબાતી તથા અન્યો ચેક-ઈન થયા તે પછી એમને જાણ કરવામાં આવી હતી કે કોઈક ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટ મોડી પડી છે અને એમને બીજા વિમાનમાં ચડવાનું જણાવવામાં આવ્યું હતું. તેમને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે એમનો સામાન એ જ વિમાન દ્વારા મોકલવામાં આવશે. તે છતાં, દગ્ગુબાતી અને પરિવારજનો બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે એમનો સામાન મળ્યો નહોતો. એરલાઈનના સ્ટાફને પૂછ્યું તો કહ્યું કે એ વિશે એમને કંઈ ખબર નથી.

દગ્ગુબાતીએ અનેક ટ્વીટ કરીને ઈન્ડીગોની ઝાટકણી કાઢી હતી. એકમાં તેણે એરલાઈનના શિયાળુ ટિકિટ વેચાણના પ્રચારની ઠેકડી ઉડાવી છે. એણે લખ્યું છેઃ ‘ધ્યાન રાખજો, આ વેચાણવાળી ફ્લાઈટ્સ કદાચ સમયસર ઉપડશે નહીં અને ઉતરશે પણ નહીં. વળી, તમારા સામાન વિશે પણ એ લોકોને કંઈ ખબર હોતી નથી.’