ફર્સ્ટ લુકઃ અક્ષયકુમાર ‘છત્રપતિ શિવાજી મહારાજ’ના રોલમાં

મુંબઈઃ દિગ્દર્શક મહેશ માંજરેકરની મરાઠી પીરિયડ ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’માં બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજનો રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મના પ્રથમ શેડ્યુલનું શૂટિંગ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે. તેનો પહેલો વીડિયો અક્ષયે પોતાના સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. પોસ્ટની કેપ્શનમાં એણે લખ્યું છેઃ “जय भवानी, जय शिवाजी.”

આ ફિલ્મમાં સાત બહાદુર મરાઠા યોદ્ધાઓની વાર્તા છે, જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો, છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્યના સેવેલા સપનાને સાકાર કરવું. કુરેશી પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ મરાઠી, હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં 2023ના દિવાળીમાં થિયેટરોમાં રિલીઝ કરાશે. આ ફિલ્મમાં જય દુધાણે, ઉત્કર્ષા શિંદે, વિશાલ નિકમ, વિરાટ મડકે, હાર્દિક જોશી, સત્યા, નવાબ ખાન અને પ્રવીણ તર્ડે જેવા અન્ય કલાકારો પણ ભૂમિકા ભજવી રહ્યા છે.