લેહ (લદાખ): કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સૌપ્રથમ ઈન્ફ્લેટેબલ થિયેટર શરૂ કરવામાં આવ્યું છે. મોબાઈલ ડિજિટલ મૂવી થિયેટર કંપની પિક્ચરટાઈમ ડિજિપ્લેક્સ દ્વારા લેહમાં આ થિયેટર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
ફિલ્મઉદ્યોગ દ્વારા આ પહેલને આવકાર આપવામાં આવ્યો છે. આ સાથે જ દેશના સૌથી દૂરના વિસ્તાર – લેહમાં રહેતાં લોકો સુધી સિનેમા પહોંચી ગયું છે. લેહ વિસ્તાર દરિયાઈ સપાટીથી 11,562 ફૂટ ઊંચાઈ પર આવેલો છે. લેહના NSD ગ્રાઉન્ડ ખાતે આ મૂવિંગ થિયેટર મૂકવામાં આવ્યું છે. ઈન્સ્ટોલેશન-ઉદઘાટન પ્રસંગે લદાખ બુદ્ધિસ્ટ એસોસિએશનના પ્રમુખ થુપ્સ્તાન ચેવાંગ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા જ્યારે હિન્દી ફિલ્મ ચરિત્ર અભિનેતા પંકજ ત્રિપાઠી મહેમાનપદે હતા.
આ પ્રસંગે સેકૂલ નામની એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી, જે લદાખની ચાંગ્પા જાતિ વિશેની છે. ફિલ્મના દિગ્દર્શક અને કલાકારો પણ એ વખતે હાજર હતાં. આજે સાંજે ભારતીય લશ્કર અને CISFના અધિકારીઓ-જવાનો માટે હિન્દી ફિલ્મ બેલ બોટમ રજૂ કરવામાં આવી હતી. આ થિયેટરમાં 150 જણને બેસાડવાની ક્ષમતા છે. હાલ કોરોના ગાઈડલાઈન્સને કારણે 75 સીટ જ મૂકવામાં આવી છે અને બે સીટ વચ્ચે અંતર રાખવામાં આવ્યું છે. થિયેટરની અંદર એક મોટો સ્ક્રીન છે અને ડોલ્બી 5.1 સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ છે.