કોરોના કટોકટીઃ મહારાષ્ટ્રના જિલ્લાના મજૂરોની કેટરીના કૈફ સંભાળ લેશે

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે મુસીબતમાં મૂકાઈ ગયેલા દૈનિક શ્રમજીવીઓની મદદે આવી છે. એણે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એવા મજૂરોને ભોજન અને સ્વચ્છ આરોગ્યની જરૂરિયાતો પૂરી પાડવામાં યોગદાન આપવાનો સંકલ્પ કર્યો છે.

કેટરીનાએ આ સામાજિક કામ માટે એની બ્રાન્ડ ‘કે-બ્યૂટી’ મારફત ડી’હાટ ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા સાથે સહયોગ કર્યો છે. આ સંસ્થા કોરોનાને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે આર્થિક સંકટમાં આવી ગયેલા મજૂરો-કામદારોને મદદ કરી રહી છે.

કેટરીનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે આપણા સૌને માટે મહિનો બહુ જ ખરાબ ગયો, પરંતુ આ રોગચાળાને નાથવા માટે દેશભરમાં લોકો મદદ માટે જે રીતે આગળ આવ્યા છે એ સરાહનીય છે.

કેટરીનાએ વધુમાં લખ્યું છે કે, આપણે સહુ કોઈ જાણીએ જ છીએ કે આ સમયમાં એવા લોકો છે જેમને ખૂબ જ તકલીફ પડી છે, જેમને આપણી કરતાં ઘણી વધારે તકલીફ પડી છે. માટે જ અમે ‘કે-બ્યૂટી’વાળા એમની મદદ માટે આગળ આવ્યા છીએ.

કેટરીના વધુમાં લખે છેઃ અમને એ જણાવતા આનંદ થાય છે કે અમે દૈનિક વેતન ડી-હાટ ફાઉન્ડેશન સંસ્થા સાથે સહયોગ કર્યો છે. અમે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં દૈનિક વેતન પર જીવતા શ્રમજીવી-મજૂરોને મદદ કરીશું. અમારું યોગદાન એવા મજૂરો અને એમના પરિવારજનોને ભોજન અને સ્વચ્છતા માટેની મૂળ જરૂરિયાતો પૂરી પાડવા માટે વપરાશે. દરેક જણ સુરક્ષિત રહેજો, યાદ રહે, આ સંકટમાં આપણે સૌ સાથે જ છીએ.