મુંબઈઃ બોલીવુડના ગીતકાર, કવિ જાવેદ અખ્તરે કરેલા માનહાનિના કેસના સંબંધમાં અભિનેત્રી કંગના રણોત આજે અહીં અંધેરીમાંની કોર્ટમાં સુનાવણી વખતે હાજર થઈ હતી. તેણે એનાં એડવોકેટ મારફત કોર્ટને જણાવ્યું કે પોતે અખ્તર સામે કાઉન્ટર-કેસ કર્યો છે. તેણે પોતાના કેસમાં આક્ષેપ કર્યો છે કે આરોપી અખ્તર પોતાને ધમકીભર્યા ફોન કરે છે (ખંડણી માટે ધમકી) અને અંગત જીવનમાં ઘૂસણખોરી કરે છે. કંગનાનાં વકીલે કોર્ટને કહ્યું કે, એક ફોનમાં અખ્તરે કંગનાને એમ કહ્યું હતું કે ‘તું આત્મહત્યા કરીશ.’ હવે કંગનાએ આ બધી વાતો પોતાની ફરિયાદમાં રેકોર્ડ કરાવી છે. જાવેદ અખ્તરે જો એમ કહ્યું હતું કે એમને માનહાનિના આ કેસમાં કોઈ લેવાદેવા નથી તો પછી એમણે કંગનાને ફોન શા માટે કર્યો હતો? કંગનાનાં વકીલે એમ પણ જણાવ્યું કે એમની અસીલને આ કેસની સુનાવણી કરનાર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.આર. ખાન પર વિશ્વાસ નથી તેથી એણે કાઉન્ટર-કેસ કર્યો છે. મેજિસ્ટ્રેટ ખાને ગયા અઠવાડિયે કંગનાને એવી ચેતવણી આપી હતી કે જો તે 20 સપ્ટેમ્બરે કોર્ટમાં પ્રત્યક્ષ રીતે હાજર નહીં થાય તો કોર્ટ એની ધરપકડનું વોરંટ ઈસ્યૂ કરી શકે છે.
અખ્તરે કંગના સામે એમ કહીને કેસ કર્યો છે કે કંગનાએ ગયા વર્ષે એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ અંગે ટીવી પર થયેલી એક ચર્ચામાં પોતાનું નામ ઢસડ્યું હતું. આજની સુનાવણી વખતે અખ્તર પણ કોર્ટમાં હાજર હતા. કોર્ટે આ કેસમાં સુનાવણીને 15 નવેમ્બર સુધી મુલતવી રાખી છે.