મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને અજાણી વ્યક્તિ તરફથી હત્યાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેની અને તેના લેખક-પિતા સલીમ ખાન માટેનો સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. તપાસના ભાગરૂપે પોલીસ ટૂકડીએ બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં સલમાન ખાનના નિવાસસ્થાન (ગેલેક્સી એપાર્ટમેન્ટ)ની મુલાકાત પણ લીધી હતી. સલમાને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે એને કોઈની પણ સાથે હાલમાં કે ભૂતકાળમાં કોઈ પ્રકારનો ઝઘડો થયો નથી કે કોઈની સાથે દુશ્મની નથી. વળી, એને કોઈની તરફથી પોતાની જાન પર ખતરો હોવાની શંકા પણ નથી. તેથી પોતાને કોણે ધમકી આપી છે એની તેને કંઈ ખબર નથી. પોતાને ફોન કરીને પણ કોઈએ ધમકી આપી નથી. સલમાનના આ જવાબ પછી પણ એની સુરક્ષા ઘટાડવામાં નહીં આવે એમ પોલીસ સૂત્રોનું કહેવું છે.
સલમાન ખાનના પિતા સલીમ ખાનને ગયા રવિવારે એમના ઘરની નજીક આવેલા બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં પ્રોમિનેડ ખાતે મોર્નિંગ વોક કરતી વખતે ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તેઓ દરરોજ મોર્નિંગ વોક વખતે જે બેન્ચ પર બેસીને વિશ્રામ કરતા હોય છે તેની પર એ દિવસે કોઈ અજાણ્યા શખ્સે તે પત્ર મૂક્યો હતો. એ પત્ર સલીમ ખાન અને સલમાન ખાનને ઉદ્દેશીને લખાયો હતો. એમાં લખ્યું હતું, ‘મૂસેવાલા જૈસા હાલ કર દૂંગા.’ સલીમ ખાને તરત જ એ વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી હતી. પંજાબી ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિધુ મૂસેવાલાની તાજેતરમાં પંજાબમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એ પ્રકરણમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સંડોવાયો શંકા પરથી દિલ્હી પોલીસે એને તિહાર જેલમાં પૂર્યો છે. પૂછપરછ વખતે બિશ્નોઈએ કહ્યું કે સલમાનને ધમકી આપવામાં એનો હાથ નથી.
