વરુણ પાસે ઘરેલુ હિંસાનો શિકાર મહિલાએ મદદ માગી

નવી દિલ્હીઃ બોલીવૂડ સ્ટાર વરુણ ધવને તેના ફેનને મદદ કરવાનું વચન આપ્યું છે. તેના ફેને ટ્વિટ કરીને વરુણને કહ્યું હતું કે તેના પિતા તેનું અને તેની માતાનું શોષણ કરે છે. આ યુઝરે લખ્યું હતું કે માનનીય સર, મને મારા પિતા માર મારે અને ગાળો બોલે છે. તેઓ મને અને મારી માતાને દરરોજ  ગાળો આપે છે. તેઓ મને કેટલાય દિવસો સુધી ખાવાનું નથી આપતા, અમને ડરાવે અને ધમકાવે છે.

વરુણના ફેને અન્ય ટ્વિટ્સમાં પિતાના અપમાનજનક સ્વભાવનું વર્ણન કર્યું હતું. તેણે એક વાર પિતા સામે ફરિયાદ કરી હતી, પણ ગુજરાત પોલીસે કેટલાક કલાકો પછી તેમને છોડી મૂક્યા હતા, એમ તેણે ટ્વીટમાં જણાવ્યું હતું.

તેણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પાસેથી મદદની હવે અમને કોઈ આશા નથી. મહિલા હેલ્પલાઇન પણ અમને મદદ નથી કરતી.

પ્લીઝ, આ મામલે ધ્યાન આપો અને અમને આમાંથી છોડાવો સર, એમ ફેને વરુણને કાકલૂદી કરતાં જણાવ્યું હતું.

 વરુણે તેના ફેન્સને જવાબ આપતાં લખ્યું હતું કે આ બહુ સિરિયસ બાબત છે અને જો આ સાચું હોય તો હું સત્તાવાળાઓ સાથે વાત કરીશ. વરુણના ટ્વીટના જવાબમાં તેના ફેન્સે તેનો આભાર માનતાં લખ્યું હતું કે થેન્ક યુ વીડી, હું તમારી આભારી છું.