રજનીકાંતે રાજકારણમાં પડવાનું કાયમને માટે માંડી વાળ્યું

ચેન્નાઈઃ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે સ્વાસ્થ્યના કારણોસર રાજકારણમાં પ્રવેશ કરવાનું માંડી વાળ્યું છે. એમણે તેમના રાજકીય પક્ષ ‘રજની મક્કલ મંદરમ’ (આરએમએમ)નું આજે વિસર્જન કરી નાખ્યું છે. એમણે કહ્યું છે કે ભવિષ્યમાં પણ રાજકારણમાં પડવાનો મારો કોઈ વિચાર નથી. રાજકારણથી દૂર રહેવાનું એમણે ગયા જાન્યુઆરીમાં જ નક્કી કર્યું હતું. હવે એમના રાજકીય પક્ષને એમના પ્રશંસકોની ક્લબમાં ફેરવી નાખી છે જેનું નામ છે ‘રજની ફેન્સ વેલ્ફેર મંદરમ’.

રજનીકાંત હેલ્થ ચેક-અપ કરાવ્યા બાદ અમુક દિવસો પહેલાં જ અમેરિકાથી પાછા ફર્યા છે. એમણે 2017ની 31 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે પોતે રાજકારણમાં જોડાશે, આધ્યાત્મિક રાજકારણ અમલમાં મૂકશે અને એમની પાર્ટી 2021માં તામિલનાડુ વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડશે.