મુંબઈઃ કેન્દ્ર સરકાર હસ્તકની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અમલદારોએ મહાદેવ એપ કેસના સંબંધમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓનાં મુંબઈ તથા દિલ્હીસ્થિત મેનેજરોને ત્યાં દરોડા પાડ્યા છે અને અઢી કરોડ જેટલી રોકડ રકમ જપ્ત કરી છે.
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, ગયા ફેબ્રુઆરી મહિનામાં મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના દુબઈમાં યોજાઈ ગયેલા લગ્ન સમારંભ વખતે સ્ટેજ પરફોર્મ કરવા માટે સેલિબ્રિટીઓને નિયુક્ત કરવાના કામમાં તેમજ સેલિબ્રિટીઓ વતી હવાલા નાણાં સ્વીકારવામાં આ મેનેજરો સંડોવાયેલા છે. તપાસમાં માલુમ પડ્યું છે કે આ મેનેજરોએ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પાસેથી રોકડ પૈસા મેળવ્યા હતા અને એમાંનો 10 ટકા હિસ્સો પોતાનાં કમિશન તરીકે લીધો હતો. બાકીનાં પૈસા એમણે સેલિબ્રિટી વ્યક્તિઓને આપી દીધા હતા. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ સેલિબ્રિટી વ્યક્તિઓનાં રહેવાની, ફ્લાઈટ્સ તેમજ અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરી હતી.
કહેવાય છે કે, ચંદ્રાકર અન્ડરવર્લ્ડની કુખ્યાત ડી-ગેંગનો નિકટનો સહયોગી છે. મહાદેવ એપ મની લોન્ડરિંગ કેસમાં તે ભાગેડૂ આરોપી છે. એણે દુબઈમાં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા અને એમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે સમારંભમાં હાજર રહેલી બોલીવુડ હસ્તીઓને પણ ઈડી અમલદારો પૂછપરછ માટે બોલાવવાના છે.