નેશનલ સિનેમા ડેઃ 13 ઓક્ટોબરે મુવીની ટિકિટ માત્ર રૂ. 99માં મળશે

નવી દિલ્હીઃ ફિલ્મરસિયાઓ ફરી એક વાર ફિલ્મ અને સિનેમા જોવા તૈયાર થઈ જાઓ. 13 ઓક્ટોબરે ‘નેશનલ સિનેમા ડે’ ઊજવવામાં આવશે. ગયા વર્ષની જેમ આ વખતે પણ ‘રાષ્ટ્રીય સિનેમા ડે’ ઊજવાશે. એ સાથે બધી ફિલ્મોની ટિકિટ પર ભારે છૂટ મળશે. પછી એ ‘જવાન’ હોય કે ‘ગદર 2’. નેશનલ સિનેમા ડેએ બધી મુવીની ટિકિટ દર્શકોને માત્ર રૂ. 99માં મળશે.

મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (MAI)એ ‘નેશનલ સિનેમા ડે’ની ઘોષણા કરી છે. ગયા વર્ષે રાષ્ટ્રીય સિનેમા દિવસે ફિલ્મપ્રેમીઓની વચ્ચે જબરદસ્ત ક્રેઝ હતો. થિયેટરોની બહાર ભારે ભીડ હતી. એક દિવસ માટે બધી ફિલ્મોની ટિકિટની કિંમત ઘટાડીને માત્ર રૂ.75 કરવામાં આવી હતી. આ ઓફરમાં PVR અને સિનેપોલિસ જેવી મલ્ટિપ્લેક્સ ચેઇન પણ સામેલ હતી.

આ વર્ષે મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા ફરી એક વાર એ ઓફર લઈને આવી છે. 13 ઓક્ટોબર, 2023એ ‘નેશનલ સિનેમા ડે’ તરીકે ઊજવાશે. એક દિવસ માટે દેશભરમાં બધી ફિલ્મોની ટિકિટની કિંમત ઘટીને માત્ર રૂ. 99 થઈ જશે. એ દિવસે નવી રિલીઝ થયેલી ફિલ્મ પણ દર્શકો હવે રૂ. 100થી ઓછી કિંમતે જોઈ શકશે. ફિલ્મના આ ફેસ્ટિવલમાં 4000 સ્ક્રીન્સ સામેલ થશે, જેમાં PVR, આઇનોક્સ, સિનેપોલિસ, મિરાજ, સિટી પ્રાઇડ, એશિયન, મુક્તા A2, મુવી ટાઇમ, વેવ, M3કે અને ડિલાઇટ સહિત અનેક મલ્ટિપ્લેક્સ અને થિયેટર સામેલ થશે.