‘3 ઈડિયટ્સ’ ફિલ્મના અભિનેતા અખિલ મિશ્રા (58)નું આકસ્મિક રીતે નિધન

મુંબઈઃ આમિર ખાન, શર્મન જોશી અને માધવન અભિનિત હિન્દી ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઈબ્રેરિન દુબેનો રોલ ભજવનાર અભિનેતા અખિલ મિશ્રાનું ગઈ કાલે સાંજે અહીં એમના નિવાસસ્થાને આકસ્મિક રીતે અવસાન થયું હતું

અહેવાલો અનુસાર તેઓ એમનાં ઘરના રસોડામાં કામ કરતા હતા ત્યારે પડી ગયા હતા. એને કારણે એમને માથામાં ઈજા થઈ હતી. તેઓ લોહીના ખાબોચિયામાં પડેલા મળી આવ્યા હતા. એમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં એમને આંતરિક હેમરેજ શરૂ થયું હતું. ડોક્ટરોના અથાગ પ્રયાસો છતાં એમનો જાન બચાવી શકાયો નહોતો.

અખિલ મિશ્રા 58 વર્ષના હતા. એમના પરિવારમાં એમના જર્મન પત્ની સુઝેન બર્નેટ છે. જેઓ પણ એક અભિનેત્રી છે. સુઝેન એક શૂટિંગ માટે હૈદરાબાદમાં હતાં. પતિનાં મૃત્યુના સમાચાર જાણ્યા બાદ તેઓ ભાંગી પડ્યાં હતાં અને કહ્યું, ‘મારું દિલ તૂટી ગયું છે. મારો અડધો હિસ્સો જતો રહ્યો છે.’ અખિલ મિશ્રાના પાર્થિવ શરીરને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ મિશ્રાના મૃત્યુનું ખરું કારણ જાણવા મળશે. મિશ્રાએ ‘ડોન અબ્બા’, ‘ગાંધી: માઈ ફાધર’, ‘ઉત્તરન’, ‘ઉડાન’, ‘શ્રીમાન શ્રીમતી’ જેવી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

સુઝેન અખિલ મિશ્રાની બીજી પત્ની છે. પહેલી પત્ની હતી મંજુ મિશ્રા. 1983માં અખિલ-મંજુએ લગ્ન કર્યાં બાદ 1997માં એમણે છૂટાછેડા લઈ લીધાં હતાં. તે પછી મિશ્રાના જીવનમાં સુઝેન આવી હતી અને 2009માં બંનેએ લગ્ન કર્યા હતા.