શાહરૂખની ‘જવાન’ ફિલ્મની લીક થયેલી ક્લિપ્સ હટાવવાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની આગામી હિન્દી ફિલ્મ ‘જવાન’ની અમુક વિડિયો ક્લિપ્સ લીક થઈ ગઈ છે અને તે સોશિયલ મિડિયા પર ફરવા માંડી છે. આ વિશે ફરિયાદ કરાયા બાદ દિલ્હી હાઈકોર્ટે યૂટ્યૂબ, ગૂગલ, ટ્વિટર અને રેડિટ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપ્યો છે કે તેઓ આ ક્લિપ્સને તાત્કાલિક રીતે દૂર કરે અને એનું સર્ક્યૂલેશન પણ રોકી દે.

આ કેસ શાહરૂખ અને એની પત્ની ગૌરી ખાનની માલિકીની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે કર્યો છે. કોર્ટે અનેક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને પણ આદેશ આપ્યો છે કે વેબસાઈટ્સ પર આ ક્લિપ્સના એક્સેસ પર પ્રતિબંધ મૂકી દો. ખાન દંપતીનો આરોપ છે કે ‘જવાન’ ફિલ્મના નિર્માણના ફૂટેજની બે વિડિયો ક્લિપ્સ લીક થઈ છે અને તે સોશિયલ મિડિયા પર મૂકવામાં આવી છે. આ ક્લિપ્સ લોકોને જોવા તથા ડાઉનલોડ કરવા ઉપલબ્ધ કરાઈ છે. એક ક્લિપમાં શાહરૂખને એક ફાઈટ સીક્વેન્સમાં દર્શાવવામાં આવ્યો છે જ્યારે બીજી એક ડાન્સ સીક્વેન્સ છે. ખાન દંપતીનો બીજો આરોપ એ છે કે ફિલ્મનું એક સ્ટુડિયોમાં બંધબારણે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રતિવાદીઓએ સેટ પરની ચોક્કસ તસવીરોને લીક કરી દીધી છે. આ કોપીરાઈટના ભંગ સમાન છે.

દક્ષિણી ફિલ્મોના દિગ્દર્શક અરૂણકુમાર ઉર્ફે એટલી દ્વારા દિગ્દર્શિત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘જવાન’ તૈયાર થઈ ગઈ છે. તેનું ટીઝર અને ટ્રેલર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં જોવા મળશે. તેની સાથે દક્ષિણી ફિલ્મોનાં બે કલાકાર – વિજય સેતુપતિ અને નયનતારા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આ વર્ષની 2 જૂને થિયેટરોમાં રિલીઝ કરાય એવી ધારણા છે.