ડ્રગ્સના દાણચોર ભારતીય નાગરિકને સિંગાપોરમાં ફાંસીએ ચડાવી દેવાયો

સિંગાપોરઃ કેફી દ્રવ્યોની દાણચોરી-હેરાફેરીના ગુના માટે અપરાધી જાહેર કરાયેલા ભારતીય-તામિલ નાગરિક તાંગારાજુ સુપૈયાહ (46)ને કોર્ટના આદેશાનુસાર આજે સવારે ફાંસી આપી દેવાઈ છે. આ જાણકારી સુપૈયાહના પરિવારના એક પ્રતિનિધિએ આપી છે. સુપૈયાહ પ્રતિ દયા બતાવવા અને તેને ફાંસી ન આપવાની પરિવારજનો તથા ફાંસીની સજા વિરોધી કાર્યકર્તાઓએ કરેલી અપીલને સિંગાપોર સરકારે માન્ય રાખી નથી. સુપૈયાહ 2013માં મલેશિયામાંથી 1 કિલો (2.2 પાઉન્ડ)થી વધારે વજનનો કેનાબીસ (ગાંજો) દાણચોરીથી સિંગાપોરમાં લાવતા પકડાઈ ગયો હતો.

સિંગાપોરની સરકાર માદક દ્રવ્યોની સખત વિરુદ્ધમાં છે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવા પ્રતિબદ્ધ છે. તેણે ગયા વર્ષે 11 ગુનેગારોને ફાંસી આપી હતી. કેફી દ્રવ્યો વિરુદ્ધ દુનિયામાં સૌથી કડક કાયદા સિંગાપોરમાં છે. આ માટે તેની દલીલ એવી છે કે સમાજને કેફી દ્રવ્યોના વ્યસનના દૂષણ સામે રક્ષણ આપવા માટે અપરાધીઓને મોતની સજા આપવી જરૂરી છે.