મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી કાજોલ દેવગને હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત વખતે કાજોલે રાજકારણમાં ઓછું ભણેલાં લોકો અને એમનાં દ્રષ્ટિકોણ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેણે પોતાનાં વક્તવ્યમાં દેશના રાજકારણ મુદ્દે કરેલું નિવેદન ચર્ચાસ્પદ થયું છે. એણે એમ કહ્યું હતું કે, ‘આપણા દેશમાં પરિવર્તન બહુ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. કારણ કે આપણે આપણી પરંપરાઓ અને વિચાર પ્રક્રિયામાં અટવાઈ ગયાં છીએ. આનું કારણ શિક્ષણ છે. આપણા દેશમાં એવા ઘણા નેતાઓ છે જેમનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ નથી. શિક્ષણ આપણને જુદી જુદી બાબતોને વિભિન્ન દ્રષ્ટિકોણથી જોતાં શીખવે જ છે, પરંતુ મારે અફસોસ સાથે કહેવું પડે છે કે, એવા ઘણા નેતાઓ આપણી પર રાજ કરે છે જેમનામાં એવા દ્રષ્ટિકોણનો અભાવ છે. જોકે આપણી શિક્ષણ વ્યવસ્થા તો એવો દ્રષ્ટિકોણ કેળવતા શીખવે છે, એવું મારું માનવું છે.’
કાજોલનાં આ નિવેદનથી ઘણાં લોકો નારાજ થયાં છે. પરિણામે કાજોલે બાદમાં યૂ-ટર્ન લીધો હતો અને ટ્વીટ કરીને પોતાનાં નિવેદન અંગે ખુલાસો કર્યો હતો. એણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘મેં તો માત્ર શિક્ષણ વ્યવસ્થા અને તેના મહત્ત્વ વિશેનો એક મુદ્દો રજૂ કર્યો હતો. મારો ઈરાદો કોઈ પણ રાજકીય નેતાને બદનામ કરવાનો નહોતો. આપણી પાસે એવા પણ કેટલાંક મહાન નેતાઓ છે જે દેશને સાચા માર્ગે દોરી જઈ રહ્યાં છે.’
I was merely making a point about education and its importance. My intention was not to demean any political leaders, we have some great leaders who are guiding the country on the right path.
— Kajol (@itsKajolD) July 8, 2023