ભોપાલઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત એનાં ટ્વીટ્સમાં ખેડૂતો વિરુદ્ધ કરેલી ટીકાઓ બદલ માફી નહીં માગે તો એની ‘ધાકડ’ ફિલ્મનું શૂટિંગ કરવા નહીં દેવાની મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ધમકી આપી છે. કંગના બેતુલ જિલ્લાના સારણી નગરમાં તેની ‘ધાકડ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે. રાજ્ય કોંગ્રેસ સેવા દળના સચિવ મનોજ આર્ય તથા અન્ય નેતાએ બેતુલના તેહસીલદારને આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું છે કે કંગનાએ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને બદનામ કર્યા છે અને એમની વિરુદ્ધ કરેલી કમેન્ટ્સ બદલ જો એ શુક્રવાર સાંજ સુધીમાં માફી નહીં માગે એને સારણી નગરમાં ફિલ્મનું શૂટિંગ કરવા દેવામાં નહીં આવે.
કોંગ્રેસીઓની ધમકી સામે શાસક ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે ‘બહન-બેટી’ કંગનાને શૂટિંગમાં કોઈ તકલીફ ન થાય એની તકેદારી સરકાર લેશે. કોંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ કમલનાથે એમની પાર્ટીના કાર્યકર્તાઓને સમજાવવા જોઈએ કે તો કંગનાનું શૂટિંગ ન ખોરવે. મેં બેતુલના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ સાથે પણ ફોન પર વાત કરી છે.