રિક્ષાચાલકની પુત્રીથી મિસ-ઇન્ડિયાની રનર-અપ માન્યા સિંહની સફર

નવી દિલ્હીઃ ફેમિના મિસ ઇન્ડિયા દર વર્ષે ચર્ચાનો વિષય રહે છે, પરતું આ વર્ષે જેને લીધે એ ચર્ચામાં છે, કદાચ જ પહેલાં ક્યારેક જ આવું થયું છે. ફેમિના મિસ ઇન્ડિયા-2020નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાની પુત્રી માન્યા સિંહ વીએલસીસી ફેમિના ઇન્ડિયા-2020ની રનર અપ તરીકે પસંદગી પામી છે. માન્યા એક રિક્ષાચાલકની પુત્રી છે અને તેનું જીવન ઘણું મુશ્કેલભર્યું રહ્યું છે. પેજન્ટમાં પોતાના સાથીઓ અને પ્રતિસ્પર્ધકોની વિપરીત તેનું નાનપણ સંઘર્ષપૂર્ણ રહ્યું છે, જ્યાં રાત્રે ક્યારેક એક ટંક જમવાનું નહોતું મળતું તો ક્યારેક રાત્રે પૂરતી ઊંઘ પણ નહોતી મળતી.

ઇન્સ્ટાગ્રામ પર પોતાની વાત શેર કરતાં તે લખે છે, મેં અનેક રાતો વગર જમે અને પૂરતી ઊંઘ વગર પસાર કરી છે. હું કેટલીય ગલીઓમાં બપોરે પગપાળા ચાલી છું.મારું લોહી, પરસેવો અને આંસુ મારા આત્મા માટે ખોરાક બન્યા છે, પણ મેં સપનું જોવાની હિંમત કરી. રિક્ષાચાલકની પુત્રી હોવાને લીધે મને સ્કૂલ જવાની તક નહોતી મળી, કેમ કે મારે કિશારાવસ્થામાં જ કામ શરૂ કરવું પડ્યું હતું.

તેણે તેની પોસ્ટમાં જણાવ્યા મુજબ 14 વર્ષની ઉંમરે માન્યા તે ઘરેથી શિક્ષણ લેવા માટે ભાગી ગઈ હતી. 16 વર્ષની ઉંમરે તેણે પિત્ઝા હટ સ્ટોરમાં કામ કરવાનું શરૂ કર્યું. તેનું કામ રેસ્ટોરાંમાં ડિશો ધોવાનું હતું. તેણી કામ કરતાં 10માના બોર્ડની પરીક્ષા આપી અને 80 ટકા લાવી હતી.  

તેલંગાણાની માનસા વારાણસીએ વીએલસીસી મિસ ઇન્ડિયા 2020નો પુરસ્કાર જીત્યો, જ્યારે યુપીની માન્યા સિંહ ફર્સ્ટ રનર અપ અને માનિકા શિયોકાંડ બીજી રનરઅપ રહી. આ ત્રણેમાં ફર્સ્ટ રનરઅપ માન્યા સિંહ આ સ્પર્ધામાં સોશિયલ મિડિયામાં ટ્રેન્ડ કરવા લાગી હતી.