2024ની લોકસભા ચૂંટણી લડવાની સની દેઓલની ઈચ્છા નથી

મુંબઈઃ ‘ગદર 2’ ફિલ્મે બોક્સ ઓફિસ પર મેળવેલી ધરખમ સફળતાને કારણે અભિનેતા સની દેઓલ ખુશ છે, પરંતુ એક સંસદસભ્ય હોવાને નાતે લોકસભા ગૃહમાં પોતે પર્યાપ્ત હાજરી આપી શક્યા ન હોવાનો એમને અફસોસ છે. તેઓ હાલમાં જ ઈન્ડિયા ટીવી ચેનલ પરના લોકપ્રિય હિન્દી ટીવી શો ‘આપ કી અદાલત’માં ઉપસ્થિત થયા હતા. એમાં તેમણે જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી લડવાની એમની ઈચ્છા નથી.

શોમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ‘સંસદમાં તમારી હાજરી આટલી ઓછી કેમ છે?’ ત્યારે પંજાબના ગુરદાસપુરમાં ભાજપના સંસદસભ્ય સની દેઓલે કહ્યું હતું કે, ‘હા, એમાં મારી હાજરી ખરેખર ખૂબ જ ઓછી રહી છે અને આ સારું છે એવું હું નહીં કહું, પરંતુ હું જ્યારે રાજકારણમાં પ્રવેશ્યો હતો ત્યારે જ મને થયું હતું કે આ મારી દુનિયા નથી. પરંતુ હું મારા મતવિસ્તાર માટે કામ કરતો રહ્યો છું અને કરતો રહીશ. હું સંસદમાં જાઉં કે ન જાઉં, એનાથી મારા મતવિસ્તાર માટે મારા કાર્ય પર કોઈ અસર નહીં થાય. વધુમાં, હું જ્યારે પણ સંસદમાં જાઉં છું ત્યારે મને મુશ્કેલી પડે છે. સલામતીનો બંદોબસ્ત હોય છે. વળી, આ જ સમયગાળા દરમિયાન કોરોનાવાઈરસ મહામારી પણ આવી. એક અભિનેતા હોવાથી હું જ્યાં પણ જાઉં છું, ત્યાં લોકો મને ઘેરી વળે છે. મેં મારા મતવિસ્તારમાં શું શું કામ કર્યું છે એની મારી પાસે યાદી છે. પરંતુ હું મારી કામગીરીનો પ્રચાર કરતો નથી. રાજકારણ એવો વ્યવસાય છે, જેમાં હું ફિટ થયો નથી.’ 2024ની લોકસભા ચૂંટણી લડવા વિશેના સવાલના જવાબમાં સનીએ મક્કમપણે કહ્યું, ‘મારે હવે ફરીથી ચૂંટણી લડવી નથી.’ ‘ધારો કે વડા પ્રધાન મોદી તમને ચૂંટણી ફરી લડવાનું કહેશે તો?’ એના જવાબમાં સનીએ કહ્યું, ‘મોદીજી જાણે છે કે આ છોકરો સની એની ફિલ્મો દ્વારા દેશ માટે સેવા બજાવી જ રહ્યો છે તેથી એને એ જ કામ ચાલુ રાખવા દેવું જોઈએ.’