મુંબઈઃ બોલીવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવનાર સોનુ સુદ દેશના લોકો માટે હીરો બની ચૂક્યા છે. આશરે 45,000 પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાથી માંડીને લોકોને દવા, ઓક્સિજન આપવા અને ગરીબોને નાણાકીય મદદકરવા સોનુ સુદ દરેક પ્રયાસ કરે છે. સોનુ સુદનો આજે 48મો જન્મદિવસ છે, એ પ્રસંગે કરોડો ફેન્સ તેમને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે. ફેન્સને આજનો દિવસ તેમનો ‘બર્થડે’ ખાસ બનાવવા માટે કોઈ નથી અટકાવી શકતું. આંધ્ર પ્રદેશમાં અભિનેતા માટે મંદિર બાંધવામાં આવી રહ્યું છે. જોકે આ વિશે તે નમ્રતા અનુભવી રહ્યા છે.
આ એક બહુ મોટી વાત છે અને ફેન્સનો પ્રેમ જોઈને હું ધન્યતા અનુભવું છું. લોકોની મદદ માટે મેં જે ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું, એ કોઈ ગામ કે શહેર નહીં, પણ સમગ્ર દેશ માટે છે. હું લોકોની મદદ કરવાનું જારી રાખીશ. હું મારા જન્મદિવસે એક નવી પહેલ કરવા માગું છું. મારી એક ઇચ્છા છે કે આવનારાં વર્ષોમાં હું દેશવાસીઓ માટે મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવું, એમ તેમણે કહ્યું હતું.
મને આજે વિવિધ રાજ્યોમાંથી ફોન આવી રહ્યા છે. સાત-આઠ લોકો પગપાળા ચાલી રહ્યા છે, કેટલાક સાઇકલ પર તો કેટલાક લોકો બાઇક્સ પર મને મુંબઈ બર્થડે વિશ કરવા મુંબઈ આવી રહ્યા છે. મારી ઇચ્છા છે કે આવતી વર્ષગાંઠ સુધી હું હોસ્પિટલોમાં કમસે કમ 1000-1500 મફત બેડ અને વિદ્યાર્થીઓ માટે 10 ગણી સ્કોલરશિપ ઉપલબ્ધ કરાવવા માગું છું, એમ તેમણે કહ્યું હતું.
મને આજે મારાં માતાપિતાની ખૂબ યાદ આવે છે. કાશ તેઓ આજે જીવતા હોત. તેમના વગર મને મારી વર્ષગાંઠ ઊજવવાનું મન નથી થતું, એમ તેમણે કહ્યું હતું.