‘બેલ બોટમ’ ફિલ્મ 19-ઓગસ્ટથી થિયેટરોમાં રિલીઝ થશે

મુંબઈઃ અક્ષય કુમાર અભિનીત જાસૂસી વિષયવાળી, રોમાંચક ફિલ્મ ‘બેલ બોટમ’ આવતી 19 ઓગસ્ટે દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થશે. કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે નિર્માતાઓએ એમની આ ફિલ્મને આ વર્ષની એપ્રિલથી 27 જુલાઈ સુધી રિલીઝ કરવાનું ટાળ્યું હતું. હવે અક્ષયે ટ્વિટર પર સમાચાર મૂક્યા છે કે ‘બેલ બોટમ’ ફિલ્મ 19 ઓગસ્ટે રિલીઝ થશે અને થિયેટરોમાં બતાડવામાં આવશે. તેણે આ સમાચાર સાથે ફિલ્મનું એક મોશન પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ફિલ્મના તમામ કલાકારોને જોઈ શકાય છે.

આ ફિલ્મ 1980ના દાયકામાં બનેલી એક જાસૂસી ઘટના પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ લોકડાઉનના દિવસો દરમિયાન ગ્લાસગો, સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યું હતું. રણજીત તિવારીના દિગ્દર્શન હેઠળ બનાવાયેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત વાણી કપૂર, લારા દત્તા-ભૂપતિ અને હુમા કુરેશીની પણ મહત્ત્વની ભૂમિકા છે.