નવી દિલ્હીઃ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ તપાસ વધુ તેજ બની છે. EDએ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ (RAAG)ની કંપનીઓ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ હેઠળ રૂ. 3034 કરોડની નવી સંપત્તિઓ જપ્ત કરી છે. એમ સૂત્રોએ આ માહિતી આપી હતી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (R-Infra)ની મિલકતોનો સમાવેશ થાય છે, તેમાં મુંબઈમાં એક ફ્લેટ, ખંડાલા (મહારાષ્ટ્રનું હિલ સ્ટેશન)માં એક ફાર્મહાઉસ, સાણંદ (અમદાવાદ)માં કેટલીક જમીનો અને R-Infraના 7.71 કરોડ રૂપિયાના શેરનો સમાવેશ થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રીય એજન્સીએ આ સંપત્તિઓ જપ્ત કરવા માટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ અસ્થાયી જપ્તી આદેશ જાહેર કર્યો છે.
રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ સામેના કેસોમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી સંપત્તિઓની કુલ કિંમત હવે રૂ. 19,344 કરોડ સુધી પહોંચી ગઈ છે. ગ્રુપ સામે બેંક છેતરપિંડી અને નાણાંનો નિર્ધારિત હેતુ સિવાય ઉપયોગ કરવાના આરોપોની ED દ્વારા તપાસ ચાલી રહી છે.
બેંક ફ્રોડ કેસમાં અરજી ફગાવાઈ
આ પહેલાં 16 એપ્રિલે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નહોતી. કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી તેમની અરજીઓ ફગાવી દીધી હતી. બોમ્બે હાઈકોર્ટે ત્રણ બેંકો દ્વારા તેમના અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના ખાતાઓને “ફ્રોડ” જાહેર કરવા શરૂ કરાયેલી કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની પીઠે એ સાથે જ અંબાણીને બેંકોના કારણ બતાવો નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટની સિંગલ બેન્ચ સમક્ષ પોતાની અરજી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.




